મેં ગિલના કૅચને લાઇવ જોયો ત્યારે મને લાગ્યું કે પૂર્ણપણે કૅચ પકડી લેવામાં આવ્યો છે. જોકે રિપ્લે બતાવાઈ એમાં મને કૅચ પકડાયો જ છે એવી ખાતરી નહોતી. ભારતમાં બધા માનશે કે ગિલ નૉટઆઉટ હતો અને ઑસ્ટ્રેલિયામાં બધા માનશે કે ગિલ આઉટ હતો. - રિકી પૉન્ટિંગ
ગ્રીને કૅચ પકડ્યો હતો
શુભમન ગિલના કૅમેરન ગ્રીને પકડેલા કૅચના વિવાદમાં જે મતમતાંતર પ્રવર્તે છે અને ખાસ કરીને ગિલની તરફેણમાં મંતવ્યો જાણવા મળી રહ્યાં છે એમાં ખાસ કરીને ગિલના જ સાથી ખેલાડી મોહમ્મદ શમીએ કહ્યું કે ‘આ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ હોવાથી અમ્પાયરે ખાસ કાળજી લેવાની જરૂર હતી. તેમણે (અમ્પાયર્સે) ગિલના કૅચ સંદર્ભે નિર્ણય માટે થોડો વધુ સમય લેવો જોઈતો હતો. તેમણે એ કૅચની ઇમેજને (રિપ્લેમાં) વધુ ઝૂમ કરાવીને જોવી જોઈતી હતી. જોકે આ રમતનો હિસ્સો કહેવાય.’
રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘થર્ડ અમ્પાયરે (રિચર્ડ કેટલબરો, ઇંગ્લૅન્ડ) વિચાર્યું કે ગ્રીને કૅચ પકડ્યો ત્યારે તેની આંગળીઓ બૉલની નીચે હતી, પણ સવાલ છે કે એ બધું કૅચ કમ્પ્લીટ થયા પછી બન્યું હતું?’ કુમાર સંગકારાએ કહ્યું કે ‘ગિલના કૅચની વાત કરું તો કોણ કેવી રીતે જુએ છે એના પર બધો આધાર રહે છે. તેણે કૅચ પકડ્યો ત્યારે તેની આંગળીઓ બૉલની નીચે દેખાય છે, પરંતુ જો આવા બનાવમાં બૉલ જો મેદાનને જરાક પણ અડક્યો હોય તો એનું અર્થઘટન એવું કરી શકાય કે બૉલ નીચે અડ્યો એનાથી બૉલને આંગળીઓની વચ્ચે રાખવામાં મદદ મળી અને સામાન્ય રીતે આવા બનાવમાં અમ્પાયર બૅટરને નૉટઆઉટ જાહેર કરે છે.’

