ઇનામમાં કાંગારૂઓને ૧૩.૨૩ કરોડ, ભારતીયોને ૬.૬૧ કરોડ રૂપિયા મળ્યા
શુભમન ગિલ ફાઇલ તસવીર
ઓવલમાં રવિવારે છેલ્લા દિવસે ભારતની શરમજનક હાર અને ઑસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત સાથે પૂરી થયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી ન કરાવી શકવા બદલ ભારતીય ખેલાડીઓની આઇસીસી દ્વારા ૧૦૦ ટકા અને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સની ૮૦ ટકા મૅચ ફી કાપી લેવામાં આવી છે. ભારતીયો નક્કી થયેલા સમયની અંદર પાંચ ઓવર અને ઑસ્ટ્રેલિયનો ચાર ઓવર ઓછી કરી શક્યા હતા.
જોકે ફાઇનલ પૂરી થયા પછી ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમને ૧૩.૨૩ કરોડ રૂપિયા અને રનર-અપ ભારતને ૬.૬૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બીજા દાવમાં ભારતને ૪૪૪ રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. શુભમન ગિલ ૧૮ રને હતો ત્યારે કૅમેરન ગ્રીને તેના પકડેલા કૅચનો મોટો વિવાદ થયો છે. તેનો કૅચ પકડતી વખતે ગ્રીનથી બૉલ જમીનને જરાક અડી ગયો હોવાનું રિપ્લેમાં જોવા મળ્યું હતું. થર્ડ અમ્પાયર (ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબરો)એ ગિલને આઉટ જાહેર કર્યો હતો. પછીથી ગિલે સોશ્યલ મિડિયામાં ગ્રીન દ્વારા પકડવામાં આવી રહેલા કૅચના ઝૂમ કરાયેલા ફ્રન્ટ-ઑન ફોટોનો સ્ક્રીનશૉટ ટ્વિટર પર મૂક્યો હતો. ગિલે કૅપ્શનમાં બે મૅગ્નિફાઇંગ ગ્લાસ ઇમોજી અને એક ફેસપામ ઇમોજી પણ જોડ્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર ક્લૅપિંગ હૅન્ડ્સવાળા ઇમોજીસ પણ સ્ટોરી સાથે મૂક્યા હતા. જોકે આઇસીસીએ ગિલને કલમ ૨.૭ હેઠળ કસૂરવાર ગણાવીને તેને મૅચ ફીના ૧૫ ટકા હિસ્સાનો દંડ કર્યો હતો.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાને અભિનંદન. ભારત ફાઇનલ ન જીતી શક્યું, પણ બે વર્ષથી મારા સાથીઓ જે મહેનત કરીને આ મુકાબલા સુધી પહોંચ્યા એ બદલ તેમને દાદ આપવી પડે. કોચિંગ અને સપોર્ટ સ્ટાફને પણ અભિનંદન. ટીમને તેમનો છેક સુધી મજબૂત સપોર્ટ મળ્યો. - રવિચન્દ્રન અશ્વિન

