૨૦૨૧માં ઇંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનમાં ભારતને ન્યુ ઝીલૅન્ડ સામેના પરાજયને કારણે ચૅમ્પિયન નહોતું બનવા મળ્યું અને હવે ઇંગ્લૅન્ડમાં જ ઑસ્ટ્રેલિયા સામેની હારને લીધે વિજેતાપદથી વંચિત રહેવું પડ્યું
ગઈ કાલે કોહલી ચૅમ્પિયનશિપ માટેની ઇનામરૂપી ગદાની નજીકથી પસાર થયો ત્યારે તેને કૅમેરામાં કેદ કરી લેવાયો હતો. તસવીર એ. પી./એ. એફ. પી.
(૧) રવિચન્દ્રન અશ્વિનને પ્લેઇંગ-ઇલેવનમાં ન સમાવ્યો એ ભારતીય ટીમ મૅનેજમેન્ટની સૌથી મોટી ભૂલ હતી. ટેસ્ટ રૅન્કિંગ્સના આ વર્લ્ડ નંબર-વન બોલરને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ન લેવામાં આવે એનાથી મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે. અવ્વલ દરજ્જાનો આ ઑફ-સ્પિનર ઑસ્ટ્રેલિયાના ચારથી પાંચ લેફ્ટ-હૅન્ડર્સને જરૂર ભારે પડ્યો હોત. યાદ રહે કે ઑસ્ટ્રેલિયાના ઑફ-સ્પિનર નૅથન લાયને પ્રથમ દાવમાં રવીન્દ્ર જાડેજાને આઉટ કરવા ઉપરાંત ગઈ કાલે બીજા દાવમાં ભારતની ૪ વિકેટ લીધી હતી; જેમાં તેણે રોહિત, શ્રીકાર ભરત, શાર્દૂલ અને સિરાજને આઉટ કર્યા હતા.
ADVERTISEMENT
(૨) શુભમન ગિલનો કૅચ આ મૅચનો સૌથી મોટો અને એકમાત્ર વિવાદ છે જેના પર વર્ષો સુધી ચર્ચા થતી રહેશે. ગ્રાઉન્ડ અમ્પાયરને હવે સૉફ્ટ સિગ્નલનો અધિકાર નથી એનાથી ભારતને નુકસાન થયું. બીજું, કૅમેરન ગ્રીને ગિલના શૉટમાં બૉલ પકડ્યો ત્યારે બૉલ જમીનને અડ્યો હતો કે નહીં એ લેટેસ્ટ ટેક્નૉલૉજીમાં ૧૦૦ ટકા નક્કી ન થયું તો પછી બેનિફિટ ઑફ ડાઉટ બૅટર (ગિલ)ની તરફેણમાં હોવો જ જોઈતો હતો. ઘણા ક્રિકેટ-નિષ્ણાતોએ પણ ગિલની તરફેણ કરી છે.
(૩) આઇપીએલની ફટાફટ (ટી૨૦) ક્રિકેટ રમ્યા પછી તરત જ ભારતીય ખેલાડીઓ ટેસ્ટના મોડમાં ન આવી શક્યા. ખરું કહીએ તો આપણા ખેલાડીઓમાં ટેસ્ટ-ક્રિકેટ રમવાની માનસિકતાનો જ અભાવ હતો. તેમનામાં ધૈર્ય તો નહોતું જ, સર્વોચ્ચ ટેસ્ટ માટેનો અભિગમ પણ નહોતો દેખાતો. ચેતેશ્વર પુજારા જે બે મહિનાથી ઇંગ્લિશ કાઉન્ટીમાં રમતો હતો તે લંડનના ઓવલમાં રમાયેલી આ ટેસ્ટમાં માત્ર ૧૪ અને ૨૭ રન બનાવી શક્યો. એપ્રિલ-મેમાં કાઉન્ટીમાં રમાયેલા ૭માંથી ૩ દાવમાં સદી ફટકારનાર પુજારા આ ટેસ્ટમાં માત્ર ૭૨ બૉલ રમી શક્યો.
(૪) કેટલાક ભારતીય ખેલાડીઓએ પ્રથમ દાવમાં અને કેટલાકે બીજી ઇનિંગ્સમાં વિકેટ ફેંકી દીધી હતી. ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ જ કહ્યું છે કે ‘ચોથા દિવસે (શનિવારે) રોહિત શર્મા અને પુજારા જે રીતે આઉટ થયા એ વિશે ખુદ તેઓ જ પસ્તાવો કરતા હશે.’
(સ્પિનર નૅથન લાયનના મિડલ પરથી ઑફ સ્ટમ્પ તરફ જતા બૉલમાં રોહિત સ્વીપના પ્રયાસમાં શૉટ ચૂકી ગયો અને એલબીડબ્લ્યુ થયો હતો. તેણે ૪૩ રન બનાવ્યા હતા. ૨૭ રન બનાવનાર પુજારાએ કમિન્સના બાઉન્સરમાં અપર કટ મારવાના પ્રયાસમાં બૅટને બૉલ જરા અડી ગયા પછી સીધો વિકેટકીપર ઍલેક્સ કૅરી તરફ ગયો હતો અને તેણે કૅચ પકડી લીધો હતો.)
(૫) ભારતના (પુજારાને બાદ કરતાં) બધા ટેસ્ટ-પ્લેયર્સ અને ઑસ્ટ્રેલિયન ટીમના અમુક ખેલાડીઓ આઇપીએલમાંથી સીધા ટેસ્ટ-મૅચ રમવા આવ્યા જ હતા. તેમને માટે (ભારતીયો માટે) કોઈ પ્રૅક્ટિસ જ નહોતી. કહેવાય છેને કે ‘પ્રૅક્ટિસ મેક્સ પર્ફેક્ટ’. જોકે આપણા ‘સિતારાઓએ’ પ્રૅક્ટિસ જ નહોતી કરી તો પછી પર્ફેક્શન ક્યાંથી આવે!

ઓવલમાં શનિવારે રોહિત શર્મા સ્પિનર લાયનના બૉલમાં સ્વીપ શૉટના પ્રયાસમાં એલબીડબ્લ્યુ થયો હતો

