ગાયકવાડે પાંચમી જૂન સુધીનો સમય માગેલો, પણ દ્રવિડે ના પાડી
World Test Championship
ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ
ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર અને ભારત વતી ૧૦ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલો ઋતુરાજ ગાયકવાડ જૂનના પ્રથમ અઠવાડિયામાં લગ્નગ્રંથિથી જોડાશે અને એ કારણસર તેણે ૭ જૂને લંડનમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની ભારતીય ટીમના સ્ટૅન્ડ-બાય પ્લેયર્સમાંથી નામ પાછું ખેંચી લીધું છે.
પુણેમાં જન્મેલા ઋતુરાજના સ્થાને મુંબઈના બૅટર અને આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી ધમાલ મચાવનાર યશસ્વી જયસ્વાલનો સ્ટૅન્ડ-બાયમાં સમાવેશ કરાયો છે.
ADVERTISEMENT
યશસ્વીની તાબડતોબ રેડ બૉલથી પ્રૅક્ટિસ
ગઈ કાલે આઇ. એન. એન. એન. એસ.ના અહેવાલ મુજબ એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ઋતુરાજે બીસીસીઆઇને વાકેફ કરતાં જણાવ્યું હતું કે તેનાં ૩-૪ જૂને મૅરેજ હોવાથી તે પાંચમી જૂન પછી લંડન પહોંચી શકશે. જોકે હેડ-કોચ રાહુલ દ્રવિડે નિર્ણય લઈને સિલેક્ટર્સને કહી દીધું કે તમે ઋતુરાજના સ્થાને બીજા કોઈને સિલેક્ટ કરીને લંડન મોકલી દો.’ યશસ્વીને તાબડતોબ રેડ બૉલથી પ્રૅક્ટિસ શરૂ કરી દેવા કહેવાયું છે અને થોડા જ દિવસમાં લંડન જશે. તેની પાસે યુકેના વિઝા છે જ.
રોહિત-કિશન રવાના
આઇ. એન. એન. એન. એસ.ના અહેવાલ મુજબ ભારતીય ટેસ્ટ ટીમનો કૅપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર-ઓપનર ઇશાન કિશન ગઈ કાલે લંડન જવા રવાના થયા એ બાદ યોજના પ્રમાણે મોહમ્મદ શમી, શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજા ગઈ કાલની ફાઇનલ પછી લંડન જશે એવું નક્કી થયું હતું. વિરાટ કોહલી, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર સહિતના કેટલાક ક્રિકેટર્સ લંડન પહોંચી ગયા છે. સૂર્યકુમાર યાદવ આવતી કાલે લંડન જશે.