પૅટ કમિન્સે સોકરની જેમ બૉલને કિક મારી શાર્દૂલ ઠાકુરને રનઆઉટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો : ઑસ્ટ્રેલિયન ફીલ્ડર્સે ત્રણ કૅચ છોડ્યા, કૅપ્ટન કમિન્સના બે બૉલમાં એલબીડબ્લ્યુ, પણ એ હતા નો-બૉલ
પૅટ કમિન્સે સોકરની જેમ બૉલને કિક મારી શાર્દૂલ ઠાકુરને રનઆઉટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો
ઇંગ્લૅન્ડના લંડન શહેરમાં ઓવલના મેદાન પર ગઈ કાલે અલ્ટિમેટ ટેસ્ટના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે એક બૉલ ફેંક્યા બાદ ફૉલો-થ્રુમાંથી બૅટર શાર્દૂલ ઠાકુરને રનઆઉટ કરવાના ઇરાદાથી બૉલને કિક મારી એમાં શાર્દૂલ બચી ગયો એ તો ગઈ કાલે ભારતીયોને બૅટિંગ દરમ્યાન જેટલાં જીવતદાનો મળ્યાં એનું માત્ર ટ્રેલર હતું. મુખ્ય ફિલ્મની વાત કરીએ તો અજિંક્ય રહાણે (૮૯ રન, ૧૨૯ બૉલ, ૨૫૪ મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર) અને શાર્દૂલ ઠાકુર (૫૧ રન, ૧૦૯ બૉલ, ૧૫૬ મિનિટ, છ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે ૧૦૯ રનની જે ભાગીદારી થઈ એ દરમ્યાન ઑસ્ટ્રેલિયન ફીલ્ડર્સે ત્રણ કૅચ છોડ્યા હતા અને એક-એક વાર પૅટ કમિન્સના બૉલમાં રહાણે તથા શાર્દૂલ એલબીડબ્લ્યુ થયા હતા, પરંતુ એ બન્ને નો-બૉલ હતા.
૩૯મી ઓવર બૉલેન્ડે કરી હતી. તેના બૉલમાં ઠાકુરનો કૅચ ઉસ્માન ખ્વાજા નહોતો પકડી શક્યો. જોકે એ થોડો મુશ્કેલ હતો. પછીથી ગલીમાં ગ્રીને ઠાકુરનો સીધો કૅચ છોડ્યો હતો. ૫૬મી ઓવર કમિન્સની હતી, જેમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીને રહાણેનો કૅચ પકડવાનો મોકો હતો, પણ તેણે નિર્ણય બદલ્યો અને બાજુમાં વૉર્નર પણ નહોતો પકડી શક્યો.
ADVERTISEMENT
સિરાજ આઉટ નહોતો છતાં ઑસ્ટ્રેલિયનોએ ચાલતી પકડી
ગઈ કાલે ૬૯મી ઓવર કૅમેરન ગ્રીને કરી હતી. ભારતનો સ્કોર ૯ વિકેટે ૨૯૪ હતો. તેના કલાકે ૧૪૦ કિલોમીટરની ઝડપે પડેલા બૉલમાં સિરાજ શૉટ ન મારી શક્યો અને બૉલ સીધો તેના ફ્રન્ટ લેગને વાગ્યો અને એલબીડબ્લ્યુની અપીલ થઈ અને અમ્પાયર ક્રિસ ગૅફનીએ તેને આઉટ આપ્યો. સિરાજ આઉટ થયો એમ માનીને ટોચના ચાર ઑસ્ટ્રેલિયન બૅટર્સ પૅવિલિયન તરફ ચાલતા થયા હતા. જોકે સિરાજે રિવ્યુ માગ્યો અને થર્ડ અમ્પાયરે સિરાજની ક્લિયર ઇન્સાઇડ એજને ધ્યાનમાં લઈ તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો. ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે પાછા પોતાની ફીલ્ડિંગ પોઝિશનમાં આવી જવું પડ્યું હતું.

