Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > WTC 2023 : ભારતીય બૅટર્સ લડી લેવાના મૂડમાં

WTC 2023 : ભારતીય બૅટર્સ લડી લેવાના મૂડમાં

Published : 11 June, 2023 10:40 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા ૪૪૪ રનના લક્ષ્યાંક સામે ગુમાવી ત્રણ વિકેટ, ફાઇનલમાં વિજય માટે ભારતને આજે ૨૮૦ રનની જરૂર

રોહિત શર્મા

World Test Championship

રોહિત શર્મા


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે ૪૪૪ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે, જેમાં ભારતને કોઈ ચમત્કાર જ બચાવી શકે એવી હાલત છે. એમ છતાં ભારતે બચાવને બદલે આક્રમક રમતની નીતિ અપનાવી હતી વિરાટ કોહલી (૪૦ નોટઆઉટ) અને અજિંક્ય રહાણે (૨૦ નોટઆઉટ) વચ્ચે ચોથી વિકેટે માટે ૭૧ રનની  પાર્ટનરશિપ કરી હતી. જીત માટે ભારતને આજે ૨૮૦ રનની જરૂર છે. સ્કૉટ બોલૅન્ડના બૉલમાં ઓપનર ​શુભમન ગિલ (૧૮) કૅચઆઉટ થયો હતો, જેને લઈને વિવાદ પણ થયો હતો. ત્યાર બાદ રોહિત શર્માએ ચેતેશ્વર પુજારા સાથે આક્રમક રમત ચાલુ રાખી હતી. પૅટ કમિન્સે સ્પિનર નૅથન લાયનને બોલિંગ આપી હતી. જેણે પહેલી જ ઓવરમાં રોહિત શર્મા (૪૩ રન)ને એલબીડબ્લ્યુ કર્યો હતો. ભારતની વૉલ ગણાતો પુજારા બીજી ​ઇનિંગ્સમાં પણ નિષ્ફળ રહ્યો હતો. પૅટ કમિન્સના બાઉન્સરને ફટકારવાના પ્રયાસમાં પુજારા (૨૭ રન) કૅચઆઉટ થયો હતો. 


ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ બીજા સેશનમાં આઠ વિકેટે ૨૭૦ રન કર્યા બાદ દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે સવારના સેશનમાં ઑસ્ટ્રેલિયાને વધુ છૂટ લેવા દીધી નહોતી, પરંતુ ઍલેક્સ કૅરી (૧૦૫ બૉલમાં નૉટઆઉટ ૬૬ રન) અને મિશેલ સ્ટાર્કે (૪૭ બૉલમાં ૫૧ રન) આક્રમક રમત દેખાડતાં સાતમી વિકેટે ૧૨૦ બૉલમાં ૯૩ રન કર્યા હતા. પૅટ કમિન્સે પોતે આઉટ થયા બાદ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જોકે ડિક્લેર કરવામાં ઘણું મોડું કરવામાં આવ્યું હોવાનો સવાલ ઉઠાવાયો હતો, કારણ કે ચોથી ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોર ૨૬૩નો હતો, જ્યારે ટેસ્ટના ઇતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન ૪૧૮ કરીને ટીમ જીતી છે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ ૪ વિકેટે ૧૨૩ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારતે પહેલા સેશનમાં બે વિકેટ લીધી હતી. લંચ સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૬ વિકેટે ૨૦૧ રન હતો. 



પહેલી ઇનિંગ્સમાં થયેલી ઈજાની અસર બૅટિંગ પર જોવા નહીં મળે : અજિંક્ય રહાણે 

 

પહેલી ઇનિંગ્સમાં ભારત તરફથી શાનદાર ૮૯ રન બનાવનાર અજિંક્ય રહાણેને બૅટિંગ દરમ્યાન આંગળીમાં ઈજા થઈ હતી. પૅટ કમિન્સની બોલિંગમાં થયેલી ઈજાના દુખાવા ઉપરાંત તેણે રમત ચાલુ રાખી હતી. તેની ઇનિંગ્સને કારણે જ ભારત આ મૅચમાં કંઈક પડકાર આપી શક્યું હતું. નવાઈની વાત તો એ છે કે મૅચ પૂરી થયા બાદ રહાણેએ આંગળીની ઈજા કેટલી છે એ જાણવા માટે સ્કૅન કરાવવાની પણ ના પાડી દીધી હતી. સ્કૅનના પરિણામની મગજ પર અસર ન થાય એ માટે ભારતીય બૅટરે લીધેલા આ પગલાની તમામ લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. જોકે સાવેચતીના પગલારૂપે રહાણે ગઈ કાલે ફીલ્ડિંગ કરવા માટે આવ્યો નહોતો. મૅચ પૂરી થયા બાદ રહાણેએ કહ્યું કે આંગળીમાં દુખાવો છે, પરંતુ એ સહન થાય એવો છે. મારી બીજી ઇનિંગ્સમાં એની કોઈ અસર જોવા નહીં મળે.’

શાર્દૂલ ઠાકુરે પિચ પર ઉઠાવ્યા સવાલ

ભારતીય ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ઑસ્ટ્રેલિયા સામે ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પિચ પર સવાલ ઊભા કર્યા છે. શાર્દૂલના મતે ઓવલની પિચ ફાઇનલ માટે સરખી રીતે તૈયાર નથી. આ પિચ ૨૦૨૧માં રમાયેલી મૅચ કરતાં બિલકુલ અલગ છે. ભારતે ૨૦૨૧માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે ભારતે ઇંગ્લૅન્ડને અહીં ૧૫૭ રનથી હરાવ્યું હતું. શાર્દૂલે બન્ને ઇનિંગ્સમાં હાફ-સેન્ચુરી ફટકારી હતી. શાર્દૂલે ભલે ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસે હાફ-સેન્ચુરી ફટકારી હતી, પરંતુ અનિયમિત બાઉન્સને કારણે બે વખત હાથમાં બૉલ વાગ્યો હતો. શાર્દૂલે કહ્યું હતું કે ‘આ વખતે પિચ ઘણી અલગ હતી. ગયા વખતે પિચથી મદદ મળી  રહી હતી, પણ આ વખતે એવુ કંઈ નહોતું. મને એવું લાગે છે કે પિચ મૅચ માટે તૈયાર નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2023 10:40 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK