વાઇસ કૅપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું કે ‘અમારો અત્યાર સુધીનો અનુભવ ઘણો શાનદાર રહ્યો છે`
ગુજરાત જાયન્ટ્સ ટીમ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની બીજી સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકપ્રિય ટીમમાંની એક એવી ગુજરાત જાયન્ટ્સ ટીમ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે પ્રારંભિક મૅચ રમવા તૈયાર છે. પ્રથમ મૅચ અગાઉ હેડ કોચ માઇકલ ક્લિંગર, મેન્ટર અને સલાહકાર મિતાલી રાજ, કૅપ્ટન મૂની તથા વાઇસ કૅપ્ટન સ્નેહ રાણાએ સીઝનની તૈયારીના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. કૅપ્ટન બેથ મૂનીએ કહ્યું કે છેલ્લા અમુક સમયથી સાથે હોવાને કારણે ગ્રુપમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અમુક સપ્તાહ દરમ્યાન અમે અમુક બાબતો પર કામ કર્યું છે અને એનાં સારાં પરિણામ મળ્યાં છે. પ્રથમ ગેમ માટે ઘણી અપેક્ષા છે અને હું જાણું છું કે મેદાનમાં ઊતરનાર ૧૧ ખેલાડીઓ એનો લાભ ઉઠાવશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
વાઇસ કૅપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું કે ‘અમારો અત્યાર સુધીનો અનુભવ ઘણો શાનદાર રહ્યો છે અને ફ્રૅન્ચાઇઝીએ ખેલાડીઓને જરૂરી તમામ સપોર્ટ આપ્યો છે. ટીમમાં સકારાત્મક મૂડ જોવા મળી રહ્યો છે. અમે સારી તૈયારી કરી છે અને આશા છે કે ટુર્નામેન્ટમાં જીત સાથે પ્રારંભ કરીશું. મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે પ્રથમ સીઝનમાં બે મૅચ રમાઈ હતી અને બન્ને મૅચમાં હરમનપ્રીતની ટીમ વિજયી રહી હતી. ગુજરાત જાયન્ટ્સની ટીમ ડબ્લ્યુપીએલના ઇતિહાસમાં પ્રથમ વાર મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવાના ઇરાદાથી ઊતરશે.