માઇકલ ક્લિન્ગર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ સાથે મળીને કામ કરશે
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લિન્ગર
મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનની શરૂઆત ૨૩ ફેબ્રુઆરીથી થઈ રહી છે. તમામ ટીમે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતની મહિલા ટીમ ગુજરાત જાયન્ટ્સ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અદાણી સ્પોર્ટ્સલાઇનની ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ તરીકે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લિન્ગરની વરણી થઈ છે. મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનની મૅચો બૅન્ગલોર અને દિલ્હીમાં રમાશે. માઇકલ ક્લિન્ગર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ સાથે મળીને કામ કરશે. નુશીન અલ ખદીર ટીમની બોલિંગ કોચ તરીકે કાર્યરત રહેશે.
માઇકલ ક્લિન્ગરે હાલમાં મહિલા બિગ બૅશ લીગમાં ચોથા ક્રમે રહેનારી સિડની થન્ડર ટીમના અસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી હતી, તો સિડની થન્ડર ટીમ સાથે હાલમાં સંકળાયેલા ફોબે લિચફીલ્ડ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ મેલબર્ન રેનેગેડ્સની પુરુષ ટીમ સાથે ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન હેડ કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. માઇકલ ક્લિન્ગર પુરુષ બિગ બૅશ લીગમાં રમી ચૂક્યા છે અને પુરુષ બિગ બૅશના હાઇએસ્ટ રન સ્કોરર રહી ચૂક્યા છે.
હેડ કોચ બન્યા બાદ ક્લિન્ગરે કહ્યું કે ‘ગુજરાત ટીમ પાસે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનમાં ખાસ કરી બતાવવાની તક છે. હું ભારતમાં મહિલા ક્રિકેટ ક્ષેત્રે ક્રાન્તિ લાવનારી દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ સાથે કામ કરવા ઉત્સુક છું. અદાણી સ્પોર્ટ્સલાઇન મિતાલી રાજ અને અન્ય ટીમ સાથે મળીને અમે ટીમને સફળતાના શિખરે પહોંચાડવાનો પ્રયાસ કરીશું.’ અદાણી સ્પોર્ટ્સલાઇનના સંજય અદેસરાએ કહ્યું કે ‘માઇકલ ક્લિન્ગર બિગ બૅશ લીગમાં કોચ અને ખેલાડી તરીકે ક્ષમતા દેખાડી ચૂક્યા છે. તેઓ ટીમને આગામી સીઝન ઉપરાંત મહિલા પ્રીમિયર લીગમાં આવતાં વર્ષોમાં મદદરૂપ થશે.’