મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ત્રણેય મૅચ જીતનારી એકમાત્ર ટીમ
ગુરુવારની મૅચ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌર. wplt20.com
મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમે ગુરુવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પૉઇન્ટ્સ-ટેબલની એની બરાબરીની ટીમ દિલ્હી કૅપિટલ્સ વિમેનને ૮ વિકેટે હરાવ્યા બાદ વિજેતા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે જીતના જશનમાં પોતાની બોલર્સને જીતનો જશ આપતાં કહ્યું હતું કે ‘અમારી બોલર્સે કમાલની બોલિંગ કરી. હું તો કહું છું કે તેઓ મારું કામ આસાન કરી રહી છે. જેને પણ હું બોલિંગ કરવા કહું તે ખૂબ આતુરતા અને ઉત્સાહથી બોલિંગ કરે છે. આટલા બધા વિકલ્પ હોય તો કામ સહેલું થઈ જાય. આ જીતનો જશ અમારી બોલર્સને જ આપવો જોઈએ. ટી૨૦માં ફીલ્ડિંગ ગોઠવી હોય એ મુજબ બોલિંગ કરવામાં આવે તો જ ફાયદો થાય અને અમારી બોલર્સ એ મુજબ જ બોલિંગ કરે છે. દિલ્હી સામેની મૅચ અગાઉ અમે સોમવારે બૅન્ગલોર સામે જીત્યાં હતાં, પણ એ મૅચમાં અમારી બોલર્સના કેટલાક બૅડ બૉલ હતા જેના પર અમે દિલ્હી સામેના મુકાબલા પહેલાં ચર્ચા કરી અને એનો અમને ઘણો લાભ થયો.’
મુંબઈની ત્રણેય મોટા માર્જિનથી જીત
મુંબઈ સૌપ્રથમ ડબ્લ્યુપીએલમાં અત્યાર સુધીની તમામ ત્રણ લીગ મૅચ જીતનારી એકમાત્ર ટીમ છે. એણે ગુજરાતને ૧૪૩ રનથી, બૅન્ગલોરને ૯ વિકેટે અને દિલ્હીને ૮ વિકેટે પરાજય ચખાડ્યો છે. હવે આવતી કાલે બ્રેબર્ન સ્ટેડિયમમાં (સાંજે ૭.૩૦ વાગ્યાથી) મુંબઈનો મુકાબલો યુપી વૉરિયર્ઝ સામે છે. ત્યાર બાદ મુંબઈની ફરી એક વાર ચારેય હરીફ ટીમ સામે એક-એક મૅચ રમાશે.
ત્રણ બોલર્સની ત્રણ-ત્રણ વિકેટ
બુધવારે દિલ્હીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ મુંબઈની બોલર્સ સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું. આખી ટીમ ૧૮ ઓવરમાં ફક્ત ૧૦૫ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. માત્ર કૅપ્ટન મેગ લૅનિંગ (૪૧ બૉલમાં ૪૩ રન) સારું રમી હતી. ભારતીય લેફ્ટ-આર્મ સ્પિનર સાઇકા ઇશાક, ઇંગ્લૅન્ડની પેસ બોલર ઇસ્સી વૉન્ગ અને વેસ્ટ ઇન્ડિયન ઑફ સ્પિનર હૅલી મૅથ્યુઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ પાસે બોલિંગમાં ઘણી વિવિધતા છે એટલે અમે હરીફ ટીમની ખતરારૂપ બૅટરને મુસીબતમાં લાવી શકે એ મુજબની અસરદાર બોલરનો અમે સહેલાઈથી ઉપયોગ કરીએ છીએ. અમારી પાસે લેફ્ટ-આર્મ સ્પિનર છે અને ઑફ સ્પિનર તેમ જ લેગ સ્પિનર પણ છે. હરમનપ્રીતની કૅપ્ટન્સી કમાલની છે.
ઇસ્સી વૉન્ગ (ઇંગ્લૅન્ડની પેસ બોલર)
ADVERTISEMENT
આગામી મૅચો કોની વચ્ચે?
આજે
ગુજરાત v/s દિલ્હી
ડી. વાય. પાટીલ, સાંજે ૭.૩૦
આવતી કાલે
મુંબઈ v/s યુપી
બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦
ગુરુવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં દિલ્હીની એક બૅટરને આઉટ કર્યા પછી વિકેટ સેલિબ્રેટ કરવાના મૂડમાં ઇસ્સી વૉન્ગ સાથે મુંબઈ ઇન્ડિયન્સની બીજી પ્લેયર્સ. અતુલ કાંબળે