હરમનપ્રીત, સ્મૃતિ, શેફાલી, એલિસ પેરી અને સોફી ડિવાઇને પોતાની ૫૦ લાખ રૂપિયા રિઝર્વ પ્રાઇસ રાખી છે, પાંચ ટીમો મળીને કુલ ૯૦ ખેલાડીઓને પસંદ કરશે
Women`s IPL
શેફાલી વર્મા
વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી એડિશનની મૅચ મુંબઈમાં ૪થી ૨૬ માર્ચ દરમ્યાન રમાશે. બ્રેબર્ન સ્ટેડિયમ અને ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કુલ ૨૨ મૅચો રમાશે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧૩ ફેબ્રુઆરીએ કુલ ૪૦૯ ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. કુલ ૧૫૨૫ ખેલાડીઓએ આ સ્પર્ધામાં રમવા માટે નામ રજિસ્ટર કરાવ્યું હતું, જે પૈકી ૪૦૯ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એમાં ૨૪૬ ભારતીય અને ૧૬૩ વિદેશી ખેલાડીઓ છે, જે પૈકી ૮ અસોસિયેટ દેશોના છે. કૅપ્ટન ખેલાડીઓ ૨૦૨, તો અનકૅપ્ડ ખેલાડીઓ ૧૯૯ અને અસોસિયેટ દેશના ૮ છે. પાંચ ટીમો કુલ ૯૦ ખેલાડીઓને ખરીદશે, જે પૈકી ૩૦ વિદેશી ખેલાડીઓ હશે.
૫૦ લાખ રૂપિયા સૌથી ઊંચી રિઝર્વ પ્રાઇસ છે, જેમાં ૨૪ ખેલાડીઓએ નામ લખાવ્યાં છે, જેમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને ભારતની અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન શેફાલી વર્મા જેવા ભારતીય ખેલાડીઓ છે. ૧૩ વિદેશી ખેલાડીઓમાં એલિસ પેરી, સોફી એકલ્સ્ટન, સોફી ડિવાઇન અને ડીન્ડ્રા ડોટિન જેવાં નામ છે. તેમણે ૫૦ લાખ રૂપિયા રિઝર્વ પ્રાઇસ રાખી છે. ૩૦ ખેલાડીઓએ પોતાની રિઝર્વ કિંમત ૪૦ લાખ રૂપિયા રાખી છે.