અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયાનું રિહર્સલ પૂરું, હવે જૂનમાં ઓવલમાં રમાશે ફાઇનલ : ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીયોને હરાવ્યા હતા અને હવે એણે જ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં જગ્યા કરાવી આપી
World Test Championship
ભારતીય ટીમે હેડ-કોચ દ્રવિડ સહિત કોચિંગ સ્ટાફ, સપોર્ટ-સ્ટાફને બોલાવીને ટ્રોફીઓ સાથે ફોટો પડાવ્યો હતો. તસવીર પી. ટી. આઇ.
ટેસ્ટ-ક્રિકેટમાં ગઈ કાલનો દિવસ અભૂતપૂર્વ હતો. અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ચોથી ટેસ્ટ ડ્રૉ ગઈ એ પહેલાં ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને શ્રેણીની પહેલી ટેસ્ટમાં હરાવી દેતાં ભારતને આગામી જૂન મહિનાની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં આપોઆપ પ્રવેશ મળી ગયો છે. એ ફાઇનલ લંડનના ઓવલમાં રમાશે. શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) તરીકે જાણીતી ટેસ્ટની સ્પર્ધાની આ ફાઇનલ માટેની રેસની બહાર થઈ જતાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ માટેનો માર્ગ મોકળો થઈ ગયો હતો અને ગઈ કાલે અમદાવાદમાં ટેસ્ટનો અંતિમ દિવસ જૂન મહિનાની ફાઇનલના રિહર્સલ જેવો બની ગયો હતો.
ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે શ્રીલંકા સામે ક્રાઇસ્ટચર્ચની ટેસ્ટમાં છેલ્લા બૉલે ટાર્ગેટ (૨૮૫/૮) મેળવી વિજય મેળવીને બે મૅચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી અને આ વિજય સાથે શ્રીલંકા ડબ્લ્યુટીસીની ફાઇનલની દોડમાંથી આઉટ થયું અને ભારતને ફાઇનલમાં જવા મળ્યું. શ્રીલંકાએ કિવીઓને હરાવ્યા હોત તો આ ફાઇનલ માટેની રેસ ચાલુ રહી હોત. હવે શ્રીલંકા બીજી ટેસ્ટ જીતશે તો પણ એના ૫૨.૭૮ પૉઇન્ટ હશે. ભારતના ૫૮.૮૦ પૉઇન્ટ છે અને એ ઑસ્ટ્રેલિયા (૬૪.૯૧) સાથે ફાઇનલમાં પહોંચી ગયું છે.
ADVERTISEMENT
વિલિયમસન હવે ભારત માટે હીરો
૨૦૨૧માં સાઉધમ્પ્ટનમાં પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કેન વિલિયમસને પહેલા દાવમાં ૪૯ રન તથા બીજા દાવમાં અણનમ બાવન રન બનાવીને ભારતને હરાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. જોકે ગઈ કાલે શ્રીલંકા સામેની ટેસ્ટના બીજા દાવમાં વિલિયમસને અણનમ ૧૨૧ રન બનાવ્યા અને છેલ્લા બૉલે રન દોડીને શ્રીલંકાને હરાવ્યું અને ભારતને જૂન મહિનાની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
બોલર્સ વહેલા લંડન જશે : રોહિત
કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે અમદાવાદની ટેસ્ટ પછી કહ્યું કે ‘જે ભારતીય ખેલાડીઓની આઇપીએલ ટીમ પ્લે-ઑફમાં નહીં પહોંચે એ પ્લેયર્સને બે અઠવાડિયાંના કન્ડિશનિંગ કૅમ્પ માટે લંડન મોકલવામાં આવશે. ખરેખર તો અમે ભારતના બધા ફાસ્ટ બોલર્સને રેડ ડ્યુક બૉલ મોકલીશું જેથી તેઓ ટેસ્ટની ફાઇનલ માટે પોતાની રીતે પ્રૅક્ટિસ કરી શકે, કારણ કે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ તો ડ્યુક બૉલથી રમાતી હોય છે અને જૂનમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ફાઇનલ લંડનમાં રમાવાની છે.
88.00
અક્ષરની આટલી બૅટિંગ-અૅવરેજ સિરીઝના બે ટૉપર્સ ખ્વાજા (૪૭.૫૭) અને કોહલી (૪૯.૫૦) કરતાં ચડિયાતી હતી. અક્ષર એક ટેસ્ટ-સિરીઝમાં ૭૦-પ્લસની ત્રણ ઇનિંગ્સ નોંધાવનાર ભારતનો (સાતમા કે એનાથી નીચલા ક્રમનો) પહેલો ભારતીય બૅટર છે.