ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ પણ લંડન પહોંચી રહ્યા છે
અક્ષર પટેલ તેમ જ શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ વગેરે ખેલાડીઓએ ગઈ કાલે લંડનમાં કૅચિંગ પ્રૅક્ટિસ કરી હતી. બીસીસીઆઇએ ગઈ કાલે ટીમ ઇન્ડિયા માટેની ટ્રેઇનિંગ કિટ લૉન્ચ કરી હતી.
લંડનના ઓવલમાં ૭ જૂને શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટે ભારતના કેટલાક ખેલાડીઓ લંડન પહોંચી ગયા છે અને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ સહિતના અમુક ખેલાડીઓએ ગઈ કાલે ખાસ કરીને કૅચિંગ-પ્રૅક્ટિસ કરી હતી તેમ જ ફન-ડ્રિલમાં પણ ભાગ લીધો હતો.
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ પણ લંડન પહોંચી રહ્યા છે. તેઓ પૅટ કમિન્સના સુકાનમાં રોહિત શર્મા ઍન્ડ કંપની સામે ૭-૧૧ જૂન દરમ્યાન ટેસ્ટની ફાઇનલ રમશે.
ADVERTISEMENT
ભારતીય ખેલાડીઓ વચ્ચે ઇંગ્લૅન્ડનો જિમી ઍન્ડરસન શું કરે છે?
લંડનના ઓવલના ગ્રાઉન્ડ પર ગઈ કાલે ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ભારતીય ખેલાડીઓની વચ્ચે પહોંચી ગયો એવી કમેન્ટ્સ વાઇરલ થઈ હતી. હકીકતમાં આ ખેલાડી જિમી ઍન્ડરસન નહીં, પણ ભારતીય ટીમનો સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશન્સ કોચ સોહમ દેસાઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
ઘણા નેટિઝન્સે પણ મીડિયામાં લખ્યું હતું કે સોહમ દેસાઈને ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ૬૮૫ વિકેટ લેનાર ઍન્ડરસનનો ‘લુકઅલાઇક’ કહી જ શકાય. એક ક્રિકેટપ્રેમીએ તો ટ્વિટર પર લખ્યું હતું કે ‘વાહ, બીસીસીઆઇએ જેમ્સ ઍન્ડરસનને ટીમ ઇન્ડિયાનો બોલિંગ-કોચ બનાવવાનો બહુ સારો નિર્ણય લીધો.’ બીજા એક જણે લખ્યું કે ‘મને થયું કે જેમ્સ ઍન્ડરસન ટીમ ઇન્ડિયાની ક્રિકેટ કિટમાં શું કરી રહ્યો છે?’