ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ૭થી ૧૧ જૂનની ફાઇનલ માટે અક્ષર, શાર્દુલ અને સિરાજ ગયા લંડન : કોહલી, ઉમેશ અને અશ્વિન આજે જશે, ૩૦ મે સુધી દરરોજ થોડા-થોડા ખેલાડીઓનાં ડિપાર્ચર થશે
World Test Championship
શાર્દુલ ઠાકુર (ડાબે) તેમ જ મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ.
આઇપીએલની ૧૬મી સીઝનનું સમાપન બહુ નજીક છે અને એ થયા બાદ બે-ત્રણ અઠવાડિયાં સુધી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલની જ ક્રિકેટજગતમાં ચર્ચા થતી રહેશે. લંડનમાં ઓવલના મેદાન પર ૭ જૂને આ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)નો નિર્ણાયક મુકાબલો શરૂ થશે. એક અહેવાલ મુજબ આ મૅચ માટેની ૧૫ ખેલાડીઓની ટીમના પ્લેયર્સ અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ ગઈ કાલે લંડન જવા રવાના થયા હતા. તેમની આઇપીએલ ટીમ દિલ્હી કૅપિટલ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર આઇપીએલની બહાર થઈ ગઈ છે.
આ ત્રણેય ખેલાડીઓની આઇપીએલની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ જતાં તેમને લંડન મોકલવાની શરૂઆત થઈ છે. આજે વિરાટ કોહલી, ઉમેશ યાદવ અને રવિચન્દ્રન અશ્વિન જશે. અશ્વિન રાજસ્થાન રૉયલ્સ વતી રમ્યો અને એ ટીમ પણ પ્લે-ઑફની બહાર થઈ ચૂકી છે.
ADVERTISEMENT
દરરોજ ભારતીય ટીમના એક કે એક કરતાં વધુ ખેલાડીઓ લંડન જવા રવાના થશે. ૨૮ મેએ રમાનારી આઇપીએલની ફાઇનલ બાદ ભારતીય ટેસ્ટ ટીમના બાકી રહેલા ખેલાડીઓ પણ લંડન જવા ઊપડી જશે.
બીસીસીઆઇનો મૂળ પ્લાન એ હતો કે આઇપીએલનો લીગ સ્ટેજ પૂરો થાય એટલે તરત જ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી ટીમના ખેલાડીઓ જેઓ ટેસ્ટની ફાઇનલ માટેની ટીમમાં છે તેમને લંડન મોકલી આપવા. જોકે અમુક ખેલાડીઓએ વિનંતી કરી હતી કે તેઓ એક-બે દિવસ બાદ લંડન જવા માગે છે. બીસીસીઆઇએ આ રિક્વેસ્ટ સ્વીકારી હોવાથી ત્રણ-ચારના જૂથમાં ખેલાડીઓને મોકલવામાં આવી રહ્યા છે.
જયદેવ ફિટ થઈ જશે, ૨૭ મે પછી લંડન જશે
લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ખભાની ઈજા બાદ બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકેડૅમીમાં સારવાર હેઠળ છે. તે ડબ્લ્યુટીસીની ફાઇનલ પહેલાં પૂરેપૂરો ફિટ થઈ જશે એવી પાકી ધારણા છે અને તે ૨૭ મે પછી લંડન જવા રવાના થશે. જયદેવે બે ટેસ્ટમાં ત્રણ વિકેટ લીધી છે. તે કરીઅરની પહેલી ટેસ્ટ ડિસેમ્બર ૨૦૧૦માં અને બીજી ટેસ્ટ ડિસેમ્બર ૨૦૨૨માં રમ્યો હતો.
ફાઇનલ માટેની ભારતીય ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), કે. એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
સ્ટૅન્ડ-બાય પ્લેયર્સ : ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર.
નેટ બોલર્સ : અનિકેત ચૌધરી, આકાશદીપ અને યેરા પૃથ્વીરાજ.
1
ટેસ્ટના આઇસીસી રૅન્કિંગ્સમાં ભારત આટલામા નંબરે છે. ઑસ્ટ્રેલિયા બીજા સ્થાન પર અને ઇંગ્લૅન્ડ ત્રીજા ક્રમે છે.