ફાઇનલ મૅચ પહેલાં ઍર-શો, બે ઇનિંગ્સના બ્રેકમાં મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ અને સિંગર જોનીતા ગાંધીનો ધમાકેદાર પર્ફોર્મન્સ અને મૅચ બાદ ૧૦૦૦ ડ્રોનનો શો
અમદાવાદમાં ગઈ કાલે ભારતીય ખેલાડીઓ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ હોટેલમાં જવા બસમાં બેઠા હતા. રોહિત અને વિરાટ બસમાં પહોંચી ગયા હતા અને શમી પણ તેમની સાથે જોડાયો હતો. તસવીર: એ.એફ.પી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર આઇ.સી.સી. મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે રમાશે ત્યારે બૉલીવુડના મ્યુઝિશ્યન કમ્પોઝર અને સિંગર પ્રીતમ તેમ જ સિંગર જોનીતા ગાંધી તેમના સહકલાકારો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરશે. એટલું જ નહીં, ડ્રોન શો, આતશબાજી સહિતના કાર્યક્રમો પણ યોજાશે. ફાઇનલ મૅચને લઈને સ્ટેડિયમ સજ્જ થયું છે.
મેદાન પર ૪૦૦થી વધુ ડાન્સર્સ
ADVERTISEMENT
રવિવારે ફાઇનલ મૅચ જોવા આવનારા દર્શકોને એક ટિકિટમાં ડબલ બોનાન્ઝા મળશે. ભારતની હાઈ વૉલ્ટેજ ફાઇનલ મૅચ જોવા સાથે એન્ટરટેઇનમેન્ટનો જલસો પણ માણવા મળશે. સૂત્રોએ ‘મિ- ડે’ને કહ્યું હતું કે ‘ફાઇનલમાં બે ઇનિંગ્સ વચ્ચે બ્રેક ટાઇમમાં મેદાન પર ૪૦૦થી વધુ ડાન્સર્સ સાથે પ્રીતમ અને જોનીતા ગાંધી મનોરંજક કાર્યક્રમ રજૂ કરશે. તેમની સાથે અન્ય કલાકારો પણ જોડાશે અને વર્લ્ડ કપના એન્થમ સૉન્ગ સહિત એક પછી એક બૉલીવુડનાં ગીત રજૂ કરીને દર્શકોને મનોરંજન પૂરું પાડશે. બૉલીવુડ સ્ટાર્સ પણ મૅચ જોવા આવવાના છે. આ કાર્યક્રમ અંદાજે વીસેક મિનિટ ચાલશે. મનોરંજન કાર્યક્રમ ઉપરાંત મૅચનીને છેલ્લે ૧૦૦૦ ડ્રોન સાથે રોમાંચક ડ્રોન શો યોજાશે. બે મિનિટના ડ્રોન શોમાં ૧૦૦૦ ડ્રોનની મદદથી વર્લ્ડ કપની ટ્રોફી સહિતના ફૉર્મેશન રચાશે અને ત્યાર બાદ ફટાકડાની આતશબાજી થશે.’
હવાઈ દળનો ઍર-શો
ફાઇનલની શરૂઆત પહેલાં સ્ટેડિયમ પરથી ચાર પ્લેન ઉડાવીને અનોખી રીતે સ્વાગત કરવાનું પણ આયોજન થયું છે. ગઈ કાલે સ્ટેડિયમ પરથી ઍર-શોની પ્રૅક્ટિસ કરાઈ હતી. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિક ટીમ આ ઍર-શો રજૂ કરશે.
ટીમ ઇન્ડિયાના આવકાર માટે રંગોળી
અમદાવાદમાં ટીમ ઇન્ડિયા જ્યાં ઊતરવાની છે એ હોટેલમાં વર્લ્ડ કપની અને સ્ટેડિયમની રંગોળી કરવામાં આવી છે અને ટીમ માટે વેલકમનાં બેનર લગાવ્યાં છે.