મજબુત સાઉથ આફ્રિકાને હરાવનાર નેધરલેન્ડ્સની ટીમ પાસે છે ઑલરાઉન્ડ ખેલાડીઓની ફોજ
કાંગારૂઓની ફોર્મમાં વાપસી
બૅટર્સે ફોર્મમાં વાપસી કરીને જીતના માર્ગ પર આગળ વધનાર ઑસ્ટ્રેલિયાની ટીમ આજે દિલ્હીમાં ફરી એકવાર સારુ પ્રદર્શન કરવા માંગશે, પરંતુ નેધરલેન્ડ્સની જાયન્ટ-કિલર ટીમને નબળી ગણવાની ભૂલ નહીં કરે. વખત ચૅમ્પિયન બનનાર કાંગારૂ ટીમે ખરાબ શરૂઆત બાદ પાંચ શ્રીલંકા અને પાકિસ્તાન સામે રસાકસી ભરેલી મૅચમાં જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં અપસેટ કરી ચૂકેલા નેધરલેન્ડ્સ સામે સાવેચતી રાખીને રમશે.
નેધરલેન્ડ્સની ટીમે ૧૨ વર્ષ બાદ વર્લ્ડ કપમાં વાપસી કરી છે. એટલું જ નહી, મજબુત ગણાતી સાઉથ આફ્રિકાને હરાવીને સૌને ચોંકાવી નાખ્યા હતા. વળી જે રીતે અફઘાનિસ્તાને સોમવારે પાકિસ્તાનને હરાવ્યું હતું. એ જ પ્રમાણે તેઓ પોતાની વર્લ્ડ કપમાં આગળ વધવાની આશાને જીવંત રાખવા માગશે.
ADVERTISEMENT
મિચલ માર્શે ઝડપી તક
ઑસ્ટ્રેલિયાની ટીમે ટૉપ ઑર્ડરના બૅટર્સના પ્રદર્શન ઉપરાંત સ્પિનર ઍડમ ઝૅમ્પા અને ફાસ્ટ બોલર જૉશ હૅઝલવુડ અને મિચલ સ્ટાર્કના સાતત્યભર્યા પ્રદર્શનને કારણે વાપસી કરી શક્યુ છે. ડેવિડ વોર્નર અને મિચલ માર્શની ફોર્મમાં વાપસી ઑસ્ટ્રેલિયા માટે સારા સમાચાર છે, કારણકે આ બન્ને કોઈ પણ હરીફ ટીમની હાલ બગાડી શકે છે. પાકિસ્તાન સામે બન્ને વચ્ચે થયેલી ૨૫૯ રનની પાર્ટનરશિપ આ વાતની સાબિતી છે. માર્શે ઓપનર તરીકે સાત ઇનિંગ્સમાં ૧૦૮.૩ના સ્ટ્રાઇક રેટથી ૩૫૧ રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ ઇજાગ્રસ્ત થતાં મળેલી તકને એણે સારા પ્રદર્શનને કારણે ઝડપી લીધી હતી.
મિડલ ઓર્ડરનું ફોર્મ ચિંતાજનક
જોકે ઑસ્ટ્રેલિયાએ મિડલ ઑર્ડરમાં પ્રદર્શન સુધારવું પડશે, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેન સંઘર્ષ કરી રહ્યા છે. સ્મિથે ચાર ઇનિંગ્સમાં એક જ વખત ૩૦નો આંકડો વટાવ્યો હતો. જોકે લબુશેને હાફ-સેન્ચુરી ફટકારી નથી છતાં એકંદરે સારો દેખાવ કર્યો છે. ટ્રેવિસ હેડની તબિયત હવે સુધરી રહી છે. તેથી દિલ્હીમાં સ્મિથ અને લબુશેને સ્થાન ટકાવી રાખવા સારું પ્રદર્શન કરવું પડશે. ગ્લેન મૅક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ પણ સારી બૅટિંગ કરી શક્યા નથી, વિકેટકીપર જૉસ ઇંગ્લિસે શ્રીલંકા સામે મહત્વની હાફ-સેન્ચુરી ફટકારી હતી.
ડચ ઓપનર્સે આપવો પડશે સારું સ્ટાર્ટ
બીજી તરફ, ડચ ટીમે ક્યારેય ઑસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવ્યું નથી. તેઓ ૨૦૦૩ અને ૨૦૦૭માં બે વખત રમ્યા હતા પણ હારી ગયા હતા. જોકે સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય તેમ જ શ્રીલંકા સામેની છેલ્લી મૅચમાં સહેજ માટે પરાજયને કારણે એમની ક્ષમતાનો પરિચય આપ્યો છે. નેધરલેન્ડ્સ પાસે ઑલરાઉન્ડ ખેલાડીઓની ફોજ છે. પરંતુ ઘણી વખત તેઓ વધુ રન આપી દે છે જે સુધરાવાની જરૂર છે. ઓપનર મેક્સ ઓડૉવ્ડ અને વિક્રમજીત સિંહ એમને સારો સ્ટાર્ટ આપી શક્યા નથી.