સેમી ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાન સામે છે આ અશક્ય સમીકરણ. ૧૫ નવેમ્બરે ભારત વાનખેડેમાં કિવીઓ સામે કરી શકે છે વેરની વસૂલાત
World Cup
રોહિત શર્મા, કેન વિલિયમસન
વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પોતાની સામે કોણ? એ પ્રશ્ને ભારતીય ટીમની ઇન્તેજારીનો ગઈ કાલે અંત આવ્યો હતો. બુધવાર, ૧૫ નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે ન્યુ ઝીલૅન્ડ રમશે એ ગઈ કાલે નિશ્ચિત થઈ ગયું હતું, કારણ કે ભારત સામે રમવાની આશા રાખીને બેઠેલાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને ત્યારે આંચકો મળ્યો જ્યારે ગઈ કાલે રાતે એ નક્કી થયું કે અફઘાનિસ્તાને આજે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે મહા-તોતિંગ જ નહીં, પણ અસંભવ જેવા માર્જિનથી જીતવું પડે. એવી જ હાલત બાબર આઝમના પાકિસ્તાનની છે જેણે આવતી કાલે કલકત્તામાં ઇંગ્લૅન્ડ સામે એવા તફાવતથી જીતવું પડે જે જાણીને ઘણા ક્રિકેટપ્રેમીઓ હસી પડશે.
રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ (૧૬ પૉઇન્ટ, ૨.૪૫૬નો રનરેટ) ઘણા દિવસથી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તમામ ૮ લીગ મૅચ જીતીને પૉઇન્ટ્સ ટેબલમાં મોખરે છે, પરંતુ સેમી ફાઇનલમાં એની સામે કોણ એ નિશ્ચિત ન હોવાથી ભારત માટે ઘણી મૂંઝવણ હતી. જોકે ગઈ કાલે શ્રીલંકા સામે ૧૬૦ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવીને કેન વિલિયમસનની ટીમે વિજય મેળવીને સેમી ફાઇનલમાં ઑલમોસ્ટ એન્ટ્રી કરી લીધી હતી.
ADVERTISEMENT
૨૦૧૯માં ૯ જુલાઈએ મૅન્ચેસ્ટરમાં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડે રૉસ ટેલરના ૭૪ રન અને કેન વિલિયમસનના ૬૭ રનની મદદથી ૮ વિકેટે ૨૩૯ રન બનાવ્યા બાદ ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રને આઉટ થતાં ૧૮ રને હારી ગઈ હતી. ધોની (૫૦ રન)ને ગપ્ટિલે રનઆઉટ કરતાં ભારતે જીતની આશા ગુમાવી હતી. જાડેજાના ૭૭ રન એળે ગયા હતા. ત્રણ વિકેટ લેનાર મૅટ હેન્રી એ મૅચનો સુપરસ્ટાર હતો.
વાત એવી છે કે આજે અફઘાનિસ્તાને ન્યુ ઝીલૅન્ડના નેટ રનરેટ (૦.૭૪૩)ના આધારે એને ઓળંગવા સાઉથ આફ્રિકા સામે ઓછામાં ઓછા ૪૩૮ રનના માર્જિનથી જીતવું પડે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો આવતી કાલે ઇંગ્લૅન્ડ સામે ઓછામાં ઓછા ૨૮૭ રનથી જીતવું પડે અને જો ઇંગ્લૅન્ડને એ ૧૫૦ રન સુધી સીમિત રાખે તો ૧૫૧ રનનો ટાર્ગેટ ફક્ત ૩.૪ ઓવર (બાવીસ બૉલ)માં મેળવવો પડે જે અસંભવ છે.