શનિવારે છઠ્ઠી વાર ૨૦૦-પ્લસના માર્જિનથી જીતીને ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ તોડ્યો ઃ ઇંગ્લૅન્ડ માટે એક્ઝિટનો દરવાજો દૂર નથી
World Cup
શનિવારે વાનખેડેમાં હિન્રિચ ક્લાસેન. તેણે ચાર સિક્સર અને બાર ફોર ફટકારી હતી (તસવીર : અતુલ કાંબળે)
શનિવારે વાનખેડેમાં હિન્રિચ ક્લાસેન (૧૦૯ રન, ૬૭ બૉલ, ચાર સિક્સર, બાર ફોર)ની ધમાકેદાર સેન્ચુરી તેમ જ માર્ક યેન્સેન (૭૫ અણનમ, ૪૨ બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) તથી રીઝ હેન્ડ્રિક્સ (૮૫ રન, ૭૫ બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને રૅસી વૅન ડર ડુસેન (૬૦ રન, ૬૧ બૉલ, આઠ ફોર)ની હાફ સેન્ચુરીઓની મદદથી સાઉથ આફ્રિકા (૩૯૯/૭)ની ટીમ ઇંગ્લૅન્ડ સામે વન-ડેમાં સૌથી મોટું ટોટલ નોંધાવનાર ટીમ તો બની જ હતી, એની જીતનું માર્જિન પણ એક રીતે રેકૉર્ડબ્રેક હતું.
એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાએ જૉસ બટલરની ટીમ (૧૭૦/૧૦)ને ૨૨૯ રનથી હરાવી હતી. સાઉથ આફ્રિકા એવો પહેલો દેશ છે જેણે વન-ડેના વર્લ્ડ કપમાં ૬ વખત ૨૦૦-પ્લસના માર્જિનથી વિજય મેળવ્યો છે. એણે પાંચ વાર ૨૦૦-પ્લસના તફાવતથી જીતનાર ઑસ્ટ્રેલિયાનો વિક્રમ તોડ્યો છે. એકંદરે સાઉથ આફ્રિકાએ ૧૫ વખત વન-ડેમાં ૨૦૦-પ્લસના માર્જિનથી વિજય મેળવ્યો છે.
બીજી તરફ ઇંગ્લૅન્ડે વન-ડેમાં સૌથી મોટા ૨૨૯ રનના માર્જિનથી હાર જોવી પડી હતી. આ પહેલાં, ઇંગ્લૅન્ડની સૌથી ખરાબ હાર નવેમ્બર ૨૦૨૨માં ૨૨૧ રનથી ઑસ્ટ્રેલિયા સામે થઈ હતી.