નંબર-ફોર ભારતનો નંબર-ટૂ ઇંગ્લૅન્ડ સાથે મુકાબલો : ઇન્ડિયા બે મૅચ સતત જીતી ગઈ છે
મૅચનો સમય : સાંજે ૬.૩૦ વાગ્યાથી
સાઉથ આફ્રિકાના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે અને વેસ્ટ ઇન્ડીઝને ૬ વિકેટે હરાવીને ટુર્નામેન્ટના પૉઇન્ટ્સ-ટેબલના નંબર-વન ઇંગ્લૅન્ડ જેટલા જ ચાર પૉઇન્ટ સાથે સેમી ફાઇનલ માટેનો દાવો મજબૂત કર્યો ત્યાર પછી હવે આજે ભારતનો એની જ સાથે મહત્ત્વનો મુકાબલો છે. વિમેન્સ ટી૨૦ રૅન્કિંગમાં ભારત ચોથા સ્થાને અને ઇંગ્લૅન્ડ બીજા સ્થાને છે અને આજે કેબેહા શહેરમાં રમાનારી ગ્રુપના બે ટૉપર્સ વચ્ચેની મૅચ અત્યંત રોમાંચક અને ટુર્નામેન્ટને નવો વળાંક અપાવનારી બની રહેશે.
હરમનપ્રીત કૌર અને તેની ટીમ આજે જીતીને સેમી ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની છે. ગ્રુપ ‘૧’માં ઑસ્ટ્રેલિયા (૬ પૉઇન્ટ) સેમીમાં પહોંચી ગયું છે અને શ્રીલંકા (૪) ગ્રુપમાં બીજા નંબર પર છે. ગ્રુપ ‘૨’માં ઇંગ્લૅન્ડ (૪) પહેલા સ્થાને અને ભારત (૪) બીજા સ્થાને છે.
ADVERTISEMENT
ભારતીય બૅટર્સમાંથી ઓપનર અને ડબ્લ્યુપીએલ માટે બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ ૩.૪૦ કરોડ રૂપિયામાં મેળવેલી સ્મૃતિ મંધાનાએ હજી આ ટુર્નામેન્ટમાં પોતાનો અસલ ટચ બતાવવાનો બાકી છે. અન્ડર-19 ચૅમ્પિયન કૅપ્ટન શેફાલી વર્મા ફૉર્મમાં આવી ગઈ છે અને જેમાઇમા રૉડ્રિગ્સ પણ એક મૅચ જિતાડી ચૂકી છે. હરમનપ્રીત તેમ જ વિકેટકીપર રિચા ઘોષ પણ બહુ સારા ફૉર્મમાં છે.
ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામે વિજય અપાવ્યો છે, પરંતુ બોલર્સમાં રેણુકા સિંહ તેમ જ પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ પર આજે બ્રિટિશ ટીમ સામે જીત અપાવવાની જવાબદારી છે.
વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડ સામે સહેલાઈથી જીતનાર ઇંગ્લૅન્ડની હીધર નાઇટની ટીમની આજે ભારતીય ટીમ સામે આકરી કસોટી છે.