કનિકા આહુજાએ બે કૅચ પકડવા ઉપરાંત સિક્સ- ફોરનો વરસાદ વરસાવીને મૅચ-વિનિંગ ૪૬ રન બનાવ્યા : વિરાટ કોહલી બુધવારે વાનખેડેમાં પ્રૅક્ટિસ કર્યા બાદ બૅન્ગલોરની વિમેન્સ ટીમને મળ્યો અને તેમને જીતવાની ટિપ્સ આપી
Women’s Premier League
બુધવારે ડી. વાય. પાટીલમાં બૅન્ગલોરની ખેલાડીઓ યુપી વૉરિયર્ઝ સામેની મૅચ રમી અે પહેલાં આરસીબીની મેન્સ ટીમના પીઢ ખેલાડી વિરાટ કોહલીઅે વિમેન્સ ટીમને ટિપ્સ આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો અને ડાબે બુધવારે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર બૅન્ગલોરની કનિકા આહુજા.
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં બુધવારે સ્મૃતિ મંધાના (ઝીરો) સતત પાંચમી મૅચમાં પણ સારું રમવામાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ તેના સુકાન હેઠળ રમી રહેલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વિમેન ટીમે પહેલી વાર જીતવામાં છેવટે સફળતા મેળવી હતી. બૅન્ગલોરનો ૬ મૅચમાં આ પહેલો વિજય હતો અને પંજાબની ૨૦ વર્ષની લેફ્ટ-હૅન્ડ બૅટર કનિકા આહુજા યુપી વૉરિયર્ઝ સામેની આ મૅચની વિનર હતી. તેણે યુપીની સિમરન શેખ (૨ રન) અને અંજલિ સરવાની (૮ રન)નો કૅચ પકડીને યુપીની ટીમનો સ્કોર ૧૩૫ રન સુધી સીમિત રખાવવામાં ફીલ્ડર તરીકે ભૂમિકા ભજવી હતી અને પછી ૩૦ બૉલમાં ૧ સિક્સર તથા ૮ ફોરની મદદથી ૪૬ રન બનાવીને બૅન્ગલોરની જીત આસાન બનાવી હતી. બૅન્ગલોરે ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૬ રન બનાવી લીધા હતા. કનિકાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બૅન્ગલોરને માત્ર ૧૩૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કૅપ્ટન સ્મૃતિ ઈરાની, સૉફી ડિવાઇન અને એલીસ પેરી સહિતની ત્રણેય મુખ્ય બૅટર કુલ ૪૩ રનના સ્કોરની અંદર પૅવિલિયનભેગી થઈ ગઈ હોવાથી મિડલ-ઑર્ડર પર બધું પ્રેશર આવી ગયું હતું. પાંચમા નંબરે બૅટિંગમાં આવેલી કનિકા આહુજાએ બૅન્ગલોરને જિતાડવાની જવાબદારી અનુભવી વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (૩૧ અણનમ, ૩૨ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે મળીને સંભાળી લીધી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી થઈ હતી. ૧૨૦ રનના ટીમ-સ્કોર પર કનિકા આઉટ થઈ હતી, પરંતુ ત્યાર બાદ રિચા અને શ્રેયંકા પાટીલ (પાંચ અણનમ, ત્રણ બૉલ, એક ફોર)ની જોડીએ ૧૮મી ઓવરની અંદર બૅન્ગલોરને વિજય અપાવી દીધો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: બૅન્ગલોરની સતત પાંચમી હાર, નૉકઆઉટ માટે હજી પણ મોકો
કોહલી બૅન્ગલોરની ખેલાડીઓને મળ્યો અને તેમને જોશ અપાવ્યો
બુધવારે વિરાટ કોહલી વાનખેડેમાં ઑસ્ટ્રેલિયા સામેની આજની વન-ડે માટેની પ્રૅક્ટિસ કર્યા પછી બૅન્ગલોરની મહિલા ટીમની ખેલાડીઓને મળ્યો હતો અને તેમને જીતવાનો જોશ અપાવતી ટિપ્સ આપી હતી. કનિકાએ મૅચ બાદ પહેલી વાર પત્રકાર-પરિષદમાં હાજરી આપી હતી અને પત્રકારોને કહ્યું કે ‘વિરાટ સરે અમને ક્હ્યું કે મગજ પર પ્રેશર જેવું કંઈ રાખતાં જ નહીં, કારણ કે આ ટુર્નામેન્ટમાં રમવાની તક કંઈ દરેક ખેલાડીને નથી મળતી. આ સ્પર્ધામાં રમવાનો આનંદ માણતાં રહીને જ રમજો. પ્લેઝર તમારું પ્રેશર આપોઆપ દૂર કરશે. મને અને મારી સાથી-ખેલાડીઓને વિરાટ સરની સલાહ ઘણી કામ લાગી હતી. ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં હું ફટકાબાજી કરી રહી હતી ત્યારે હજારો લોકા ‘કનિકા... કનિકા’ની બૂમો પાડતા હતા એ સાંભળવાનું મને ખૂબ ગમ્યું હતું. મગજ પરથી બધું પ્રેશર જતું રહ્યું હતું.’
સૂર્યા જેવા ૩૬૦-ડિગ્રી શૉટની નકલ
કનિકા આહુજાએ કોહલી સાથેની ચર્ચાની પત્રકારો સમક્ષ આત્મવિશ્વાસપૂર્વક વાતો કરી હતી અને પોતે સૂર્યકુમાર યાદવની જેમ ૩૬૦-ડિગ્રી શૉટની નકલ કરી હોવાનું પણ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું.
છોકરીઓ પણ ક્રિકેટ રમે છે એની મારી ફૅમિલીને અગાઉ ખબર જ નહોતી. મારા પપ્પા મને કહેતા કે ક્રિકેટમાં શું દાટ્યું છે, ભણવા પર જ બધું ધ્યાન આપ. જોકે હું હંમેશાં મારી ક્રિકેટ-કરીઅર મારી મમ્મીને સમર્પિત કરીશ. તેને કારણે જ હું ક્રિકેટર બની છું. નાનપણમાં છત પર જઈને પતંગ ચગાવતી ત્યારે તે મને કહેતી, ‘ જા, તારી પસંદગીની રમત ક્રિકેટ રમ.’ - કનિકા આહુજા
46
મૅચ-વિનર કનિકા આહુજાના બુધવારના આટલા રન ડબ્લ્યુપીએલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટના એક પણ મૅચના અનુભવ વગર રમી રહેલી તમામ ખેલાડીઓના વ્યક્તિગત સ્કોર્સમાં હાઇએસ્ટ છે.