ગ્રેસ હૅરિસના ૭૨ રન : મૅકગ્રા, પાર્શ્વી, એક્લસ્ટન અને રાજેશ્વરીનાં પણ જીતમાં મહત્ત્વનાં યોગદાન
Women’s Premier League
બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે યુપી વૉરિયર્ઝની ગ્રેસ હૅરિસ અને તાહલિઆ મૅક્ગ્રા વચ્ચે ચોથી વિકેટ માટે ૭૮ રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ગુજરાતનો સેકન્ડ લાસ્ટ બૉલમાં પરાજય થયો હતો. તસવીર આશિષ રાજે
બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે સાંજે યુપી વૉરિયર્ઝે માત્ર એક બૉલ બાકી રાખીને ત્રણ વિકેટના તફાવતથી વિજય મેળવી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ના પ્લે-ઑફમાં પ્રવેશ કરવામાં સફળતા મેળવી હતી અને એ સાથે એકસાથે બે ટીમ (ગુજરાત જાયન્ટ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર) સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્રેસ હૅરિસ (૭૨ રન, ૪૧ બૉલ, ચાર સિક્સર, સાત ફોર) ગુજરાત જાયન્ટ્સ સામેની આ જીતની મુખ્ય ખેલાડી હતી. તેની અને તાહલિઆ મૅક્ગ્રા (૫૭ રન, ૩૮ બૉલ, અગિયાર ફોર)ની જોડીએ ચોથી વિકેટ માટે ૭૮ રન જોડ્યા હતા. ૧૭૯ રનના લક્ષ્યાંક મેળવવા જતાં મૅકગ્રાએ ૧૧૭ રનના સ્કોર પર અને હૅરિસે ૧૭૨ રનના સ્કોર પર વિકેટ ગુમાવી ત્યાર પછી સૉફી એક્લસ્ટને યુપીને સેકન્ડ-લાસ્ટ બૉલમાં વિજય અપાવ્યો હતો. ગુજરાતની કૅપ્ટન સ્નેહ રાણાની એ ઓવરની શરૂઆતમાં યુપીએ ૭ રન બનાવવાના હતા. ધારાવીમાં રહેતી સિમરન શેખ ચોથા બૉલમાં રનઆઉટ થઈ ત્યારે બાકીના બે બૉલમાં બે રન બનાવવાના હતા અને એક્લસ્ટને પાંચમા બૉલમાં ચોક્કો ફટકારીને યુપીને રોમાંચક વિજય અપાવ્યો હતો. ગુજરાતની કિમ ગર્થે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
એ પહેલાં, ગુજરાતે બૅટિંગ પસંદ કરીને ૬ વિકેટે જે ૧૭૮ રન બનાવ્યા એમાં ઍશ ગાર્ડનર (૬૦ રન, ૩૯ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને દયાલન હેમલતા (૫૭ રન, ૩૩ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. તેમની વચ્ચે ચોથી વિકેટ માટે ૯૩ રનની પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ છેવટે એ ફળી નહોતી. યુપીની રાજેશ્વરી ગાયકવાડ અને પાર્શ્વી ચોપડાએ બે-બે વિકેટ લીધી હતી.
યુપીની ગેસ હૅરિસને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આગામી મૅચો કોની-કોની વચ્ચે
આજે
મુંબઈ v/s બૅન્ગલોર, ડી. વાય. પાટીલ, બપોરે ૩.૩૦
દિલ્હી v/s યુપી, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦
નોંધ : ડબ્લ્યુપીએલમાં બુધવાર અને ગુરુવારના રેસ્ટ ડે પછી શુક્રવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યે એલિમિનેટર મુકાબલો શરૂ થશે. ફાઇનલ રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાથી બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાશે.