અદાણી, હલ્દીરામ, ટૉરન્ટ ફાર્મા, અપોલો પાઇપ્સ અને શ્રીરામ ગ્રુપ પણ મેદાનમાં : એક કંપની એકથી વધુ શહેર માટે દાવો કરી શકશે
Women`s IPL
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આગામી માર્ચમાં પહેલી વાર રમાનારી મહિલાઓની આઇપીએલ માટેની પાંચ ટીમના ફ્રૅન્ચાઇઝીનું આજે બપોરે મુંબઈમાં ઑક્શન છે અને એ માટે કુલ ૧૭ કંપનીઓ બિડ મૂકશે. આ ૧૭માંથી ૭ ફ્રેન્ચાઇઝી એવા છે જે મેન્સ આઇપીએલમાં ટીમની માલિકી ધરાવે છે. એમાં મુંબઈ ઇન્ડિયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, રાજસ્થાન રૉયલ્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કૅપિટલ્સનો સમાવેશ છે. ડિફેન્ડિંગ મેન્સ આઇપીએલ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પણ ટેન્ડર ડૉક્યુમેન્ટ ખરીદ્યું હતું, પરંતુ તેઓ ગઈ કાલની ડેડલાઇન સુધીમાં બિડિંગ પ્રોસેસમાં આગળ નહોતા વધ્યા.
જે અન્ય કંપનીઓએ વિમેન્સ આઇપીએલની ટીમ ખરીદવા માટે બિડ ડૉક્યુમેન્ટ ખરીદ્યા છે એમાં અદાણી ગ્રુપ, હલ્દીરામ ગ્રુપ, ટૉરન્ટ ફાર્મા, અપોલો પાઇપ્સ, અમ્રિત લીલા એન્ટરપ્રાઇઝિસ, શ્રીરામ ગ્રુપ તથા સ્લિન્ગશૉટ 369 વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ છે.
ADVERTISEMENT
દરેક ફ્રૅન્ચાઇઝી ૧૨ કરોડ રૂપિયામાં ખેલાડીઓ મેળવી શકશે
વિમેન્સ આઇપીએલ માટેનું પ્લેયર્સ ઑક્શન મોટા ભાગે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયમાં યોજાશે. દરેક ટીમમાં લગભગ ૧૫થી ૧૮ ખેલાડી રાખી શકાશે, જેમાં ૭ વિદેશી પ્લેયર હોવી જોઈશે. મૅચ માટેની ઇલેવનમાં પાંચ વિદેશી પ્લેયર રાખી શકાશે અને એ પાંચમાં એક પ્લેયર આઇસીસીના અસોસિએટ દેશની હોવી જોઈશે. હરાજીમાં દરેક ફ્રૅન્ચાઇઝી વધુમાં વધુ ૧૨ કરોડ રૂપિયાના ફન્ડમાંથી ખેલાડીઓ મેળવી શકશે. બીજી રીતે કહીએ તો પ્રત્યેક ટીમ કુલ ૧૨ કરોડ રૂપિયાના ઉપલબ્ધ ફન્ડમાંથી જ બનાવી શકાશે.