વિમેન્સ એશિયા કપ 2024ની બે ફાઇનલિસ્ટ ટીમ શ્રીલંકા અને ભારત વચ્ચે આજે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Aની મહત્ત્વપૂર્ણ મૅચ રમાશે. કૅપ્ટન હરમનપ્રીત કૌરનું ઈજાને કારણે રમવું શંકાસ્પદ
હરમનપ્રીત કૌર
વિમેન્સ એશિયા કપ 2024ની બે ફાઇનલિસ્ટ ટીમ શ્રીલંકા અને ભારત વચ્ચે આજે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Aની મહત્ત્વપૂર્ણ મૅચ રમાશે. એશિયા કપ ચૅમ્પિયન ટીમ શ્રીલંકા હજી એક પણ મૅચ જીતી શકી નથી, જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને આ ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી છે. આજે ભારતીય વિમેન્સ ટીમનો ટાર્ગેટ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવીને પોતાનો નેટ રન-રેટ સુધારવાનો પ્રયાસ કરવાનો રહેશે. આજે ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ સાંજના સમયે એકસાથે મેદાન પર ધમાલ મચાવતી જોવા મળશે જેના કારણે ફરી વાર ભારતીય ફૅન્સને ભરપૂર મનોરંજન મળશે.
અત્યાર સુધીની બે મૅચમાં ૧૫ અને ૨૯ રન બનાવનાર કૅપ્ટન હરમનપ્રીત કૌરનું ગળામાં ઈજાના કારણે શ્રીલંકા સામે રમવું શંકાસ્પદ છે જેના કારણે ભારતની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે. હરમનપ્રીત પાકિસ્તાન સામેની છેલ્લી મૅચમાં બૅટિંગ કરતી વખતે ઇન્જર્ડ થઈ હતી અને રિટાયર હર્ટ થઈને પૅવિલિયન પરત ફરવું પડ્યું હતું. તેની ઈજા પર કોઈ મોટી અપડેટ સામે આવી નથી. આવા સંજોગોમાં બૅટિંગ યુનિટમાં જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને રિચા ઘોષે બૅટ સાથે વધુ જવાબદારી નિભાવવી પડશે.
ADVERTISEMENT
ભારતે શ્રીલંકા સામે રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવું પડશે, કારણ કે ગ્રુપની અંતિમ મૅચમાં એનો સામનો ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સાથે થશે. શ્રીલંકાને તેની પ્રથમ બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ભારત એ ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. ખાસ કરીને ઑગસ્ટમાં એશિયા કપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ પોતાના હરીફ સામે સાવધાનીપૂર્વક રમશે. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ વચ્ચે પાંચ મૅચ રમાઈ છે જેમાંથી ભારતની ત્રણમાં અને શ્રીલંકાની બે મૅચમાં જીત થઈ છે.
T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૨૫
ભારતની જીત ૧૯
શ્રીલંકાની જીત ૦૫
નો રિઝલ્ટ ૦૧