વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સાતમાંથી પાંચ મૅચ જીતી છે ભારતીય મહિલા ટીમ
T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત અને પાકિસ્તાન ટીમની કૅપ્ટન્સ
આજે UAEના દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ-સ્ટેજની સાતમી મૅચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આરપારનો જંગ જોવા મળશે. ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ૫૮ રને પોતાની પહેલી મૅચ હારી છે, જ્યારે પાકિસ્તાને એશિયા કપ ચૅમ્પિયન શ્રીલંકાને ૩૧ રને હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે જેના કારણે ભારતની આજની મૅચ કરો યા મરોથી ઓછી નથી.
ગ્રુપ Aના પૉઇન્ટ્સ-ટેબલમાં ન્યુ ઝીલૅન્ડ (+૨.૯૦૦ નેટ રન-રેટ) પહેલા ક્રમે, ઑસ્ટ્રેલિયા (+૧.૯૦૮) બીજા, પાકિસ્તાન (+૧.૫૫૦) ત્રીજા, શ્રીલંકા (-૧.૬૬૭) ચોથા અને ભારત (-૨.૯૦૦) પાંચમા ક્રમે છે. ભારતીય ટીમે સેમી ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાન, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામેની બાકીની ત્રણ મૅચ જીતવી પડશે. જોકે પાકિસ્તાન સામે ભારતીય ટીમના આંકડા ઘણા પ્રભાવશાળી છે. બન્ને ટીમ મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ સાત વખત આમને-સામને આવી ચૂકી છે. આ દરમ્યાન ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વખત હરાવ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમને માત્ર બે વખત જ જીત મળી છે.
ADVERTISEMENT
T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૫
ભારતની જીત - ૧૨
પાકિસ્તાનની જીત - ૦૩
આજની મૅચ
ભારત અને પાકિસ્તાનની ટક્કર બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂ થશે. બીજી મૅચ ૭.૩૦ વાગ્યાથી વેસ્ટ ઇન્ડીઝ અને સ્કૉટલૅન્ડ વચ્ચે રમાશે.