પાકિસ્તાનને છ વિકેટે હરાવીને વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારતે પહેલવહેલી જીત મેળવી,નેટ રન-રેટમાં સુધારો થયો, પણ હજી માઇનસમાં જ
૦.૪૪ સેકન્ડમાં વિકેટકીપર રિચા ઘોષે એક હાથે કૅચ પકડીને પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાને આઉટ કરી હતી.
ગઈ કાલે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં પોતાના ઑલરાઉન્ડ પ્રદર્શનને આધારે ભારતીય ટીમે પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતું. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી મૅચમાં હારેલી ભારતીય ટીમની આ પહેલી જીત હતી. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં પાકિસ્તાને આઠ વિકેટે ૧૦૫ રન બનાવ્યા હતા. ભારતે ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઑફ ધ મૅચ અરુંધતીએ T20 ઇન્ટરનૅશનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
અરુંધતી રેડ્ડી (૩ વિકેટ) અને શ્રેયંકા પાટીલ (૧૨ રન)ની શાનદાર બોલિંગ બાદ શફાલી વર્મા (૩૨ રન), જેમિમા રૉડ્રિગ્ઝ (૨૩ રન) અને હરમનપ્રીત કૌર (૨૯ રન)ના યોગદાનના આધારે ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પહેલી વાર હારવા મજબૂર કર્યું હતું. શ્રીલંકાને હરાવીને આવેલી પાકિસ્તાનની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં +૦.૫૫૫ના નેટ રન-રેટની સાથે ત્રીજા ક્રમે યથાવત્ છે.
ADVERTISEMENT
અરુંધતી રેડ્ડી બની પ્લેયર ઑફ ધ મૅચ.
ન્યુ ઝીલૅન્ડ સામેની પોતાની શરૂઆતની મૅચમાં મોટી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમને તેનો નેટ રન-રેટ પૉઝિટિવ બનાવવા માટે આ મૅચ ૧૧.૨ ઓવરમાં જીતવી પડે એમ હતી, પરંતુ ટીમ બાઉન્ડરી ફટકારવામાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. બે મૅચમાં પ્રથમ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ Aના પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. નેટ રન-રેટ -૨.૯૦૦થી -૧.૨૧૭ થયો છે. સેમી ફાઇનલમાં પહોંચવા ભારતીય ટીમે ૯ ઑક્ટોબરે શ્રીલંકા અને ૧૩ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયાને હરાવવું પડશે.
25
આટલામી વાર ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હરાવ્યું છે, બન્ને દેશની મેન્સ અને વિમેન્સ ટીમ ૨૮ વાર વર્લ્ડ કપમાં ટકરાઈ છે.
વર્લ્ડ કપ વચ્ચે કૅપ્ટન બદલવી પડશે?
ભારતની ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં સ્ટમ્પ આઉટ થતાં બચવા માટે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર પિચ પર પડી ગઈ હતી જેને કારણે તે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજા એટલી ગંભીર હતી કે તેણે ૨૯ રને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. મૅચ બાદ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને પ્રેઝન્ટેશનમાં આવવું પડ્યું હતું. તેની ઇન્જરી વિશે વધુ વિગતો સામે આવી નથી. ભારતીય ફૅન્સ આશા રાખશે કે ટુર્નામેન્ટ વચ્ચે કૅપ્ટન હરમનપ્રીત કૌર ઈજાને કારણે બહાર ન થાય. વિપરીત સંજોગોમાં ભારતીય ટીમે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની કૅપ્ટન્સીમાં રમવું પડી શકે છે.