ડબ્લ્યુપીએલમાં મુંબઈની મહિલાઓનો ૭ વિકેટે શાનદાર વિજય, મુંબઈની પુરુષ ટીમ છેક છઠ્ઠી સીઝનમાં આઇપીએલ જીતી શકી હતી, જ્યારે મહિલા ટીમે પહેલી જ સીઝનમાં કમાલ કરી બતાવી
Women’s Premier League
દિલ્હીની શિખા (ડાબે) અને રાધાએ અણનમ ૨૭-૨૭ રન બનાવીને બ્રેબર્ન ગજવી નાખ્યું હતું. તસવીર પી. ટી. આઇ.
ખીચોખીચ ભરાયેલા બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ડબ્લ્યુપીએલની પ્રથમ સીઝનની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ ૭ વિકેટે દિલ્હી કૅપિટલ્સને હરાવીને ચૅમ્પિયન બની હતી. ૧૩૨ રનનો ટાર્ગેટ મુંબઈ ઇન્ડિયન્સે ૧૯.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ૫૫ બૉલમાં ૬૦ રનની યાદગાર ઇનિંગ્સ રમનાર વુમન ઑફ ધ મૅચ નૅટ સિવર-બ્રન્ટે વિજય બાઉન્ડરી ફટકારી હતી. અમેલિયા કેર ૧૪ રન સાથે અણનમ રહી હતી, જ્યારે કૅપ્ટન હમરનપ્રીત કૌર ૩૭ રન ઉપયોગી ઇનિંગ્સ રમીને રનઆઉટ થઈ ગઈ હતી. હૅલી મૅથ્યુઝ ૧૩ અને યાસ્તિકા ભાટિયા ચાર રન બનાવી શકી હતી.
હરમને આખરે લૅનિંગને હરાવી
ADVERTISEMENT
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લૅનિંગ સામે છેલ્લા બન્ને નૉક-આઉટ મુકાબલા (૨૦૨૦ વર્લ્ડ કપની ફાઇનલ અને ૨૦૨૩ ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ)માં હાર જોવી પડી હતી, પણ ગઈ કાલે હરમને વળતો પ્રહાર કરતાં લૅનિંગને ફાવવા નહોતી દીધી.
પ્રથમ તાજ ભારતીય કૅપ્ટનના શિરે
આઇપીએલની ૨૦૦૮માં રમાયેલી પ્રથમ સીઝનમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન શેન વૉર્નના નેતૃત્વમાં રાજસ્થાન રૉયલ્સ ચૅમ્પિયન બન્યું હતું. મહિલાઓની પ્રથમ આઇપીએલમાં પણ એવું રિપીટ થશે અને ઑસ્ટ્રેલિયન લૅનિંગ દિલ્હીને વિજેતા બનાવશે એવી ચર્ચા હતી, પણ હરમને પ્રથમ તાજ પોતાના શિરે પહેરીને એવું નહોતું થવા દીધું.
બન્ને કૅપ્ટન્સ રન-આઉટ
ગઈ કાલે ફાઇનલમાં બન્ને ટીમની કૅપ્ટન લૅનિંગ અને હરમન રન-આઉટ થઈ હતી.
આ પણ વાંચો: આઇપીએલના ઓપનિંગમાં તમન્ના ભાટિયા પર્ફોર્મ કરશે
વૉન્ગના કાતિલ ફુલટૉસ
પહેલી ઓવરમાં માત્ર બે રન જ બન્યા હતા. બીજી ઓવર લઈને આવેલી છેલ્લી મૅચની હૅટ-ટ્રિક ગર્લ ઇસી વૉન્ગનું શેફાલી વર્માએ સિક્સર અને ફોર સાથે સ્વાગત કર્યું હતું. જોકે વૉન્ગે ત્યાર બાદ ત્રીજા અને પાંચમાં ફુલટૉસ બૉલમાં શેફાલી (૧૧) અને એલીસ કૅપ્સી (૦)ને કૅચઆઉટ કરાવીને શાનદાર વળતો જવાબ આપ્યો હતો. શેફાલીને હાઈ ફુલટૉસમાં (ડીઆરએસ લેવાયા બાદ) થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કરતાં ઘણાને આશ્ચર્ય થયું હતું અને નિરાશા સાથે તેણે વિદાય લીધા પછી એક બૉલ બાદ કૅપ્સી પણ આઉટ થઈ ગઈ હતી. વૉન્ગે ત્યાર બાદ સાઇડ ચેન્જ કરીને બીજી ઓવરમાં વધુ એક ફુલટૉસ બૉલમાં જેમાઇમા રૉડ્રિગ્સ (૯)ને કૅચઆઉટ કરાવીને દિલ્હી કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. દિલ્હીએ ૪.૨ ઓવરમાં જ ટૉપની ત્રણ બૅટર્સ ગુમાવી દીધી હતી.
હૅલી મૅથ્યુઝનું મૅજિક
વૉન્ગના વારથી દિલ્હી માંડ-માંડ બેઠું થઈ રહ્યું હતું અને કૅપ્ટન મેગ લૅનિંગ (૩૫) તથા મૅરિઝેન કૅપે (૧૮) ૩૮ રનની રનની પાર્ટનરશિપના જોરે ૧૧મી ઓવરમાં સ્કોરને ૭૩ રન સુધી પહોંચાડ્યો હતો. જોકે ૧૧મી ઓવરમાં અમેલિયા કેરે કૅપને આઉટ કરીને ડેન્જર બની રહેલી જોડીને તોડી નાખી હતી. ત્યાર બાદ ૧૨મી ઓવરમાં દિલ્હીને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. કૅપ્ટન અને સીઝનની હાઇએસ્ટ સ્કોરર લૅનિંગ રનઆઉટ થઈ ગઈ હતી. આ બે ઝટકા બાદ કૅરિબિયન ઑલરાઉન્ડર હૅલી મૅથ્યુઝના મૅજિકલ સ્પેલ સામે દિલ્હી ૭૯ રનમાં ૯ વિકેટ ગુમાવીને સાવ દબાઈ ગયું હતું. મૅથ્યુઝ ૪ ઓવરમાં બે મેઇડન સાથે માત્ર પાંચ રન આપીને ૩ વિકેટ લઈને મુંબઈને ચૅમ્પિયનશિપના તાજની નજીક લઈ ગઈ હતી.
છેલ્લી જોડી જાનદાર
૧૮મી ઓવરના અંતે દિલ્હીનો સ્કોર ૯ વિકેટે ૯૫ હતો ત્યારે મુંબઈને ૧૦૦ આસપાસનો ટાર્ગેટ મળશે એવું લાગતું હતું, પણ છેલ્લી જોડી શિખા પાંડે (૨૭ અણનમ, ૧૭ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને રાધા યાદવે (૨૭ અણનમ, ૧૨ બૉલમાં, બે સિક્સર અને બે ફોર) વૉન્ગની ૧૯મી ઓવરમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૦ અને બ્રન્ટની છેલ્લી ઓવરમાં બે સિક્સર સાથે ૧૬ રન કરી ૩૬ રન ફટકારીને દિલ્હી કૅમ્પમાં જોશ ભરી દીધો હતો. ૧૬મી ઓવરના છેલ્લા બૉલમાં ૭૯ રનના સ્કોરે નવમી વિકેટ પડ્યા બાદ શિખા અને રાધાએ ૨૪ બૉલમાં છેલ્લી વિકેટ માટે બાવન રનની અણનમ પાર્ટનરશિપના જોરે દિલ્હી ૧૩૧ રનના સન્માજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
વૉન્ગ તથા હૅલી મૅથ્યુઝે ત્રણ-ત્રણ વિકેટ અને અમેલી કેરે બે વિકેટ લીધી હતી. નૅટ સિવરને ૩૭ રનમાં અને સાઇકા ઇશાકને ૨૮ રનમાં વિકેટ નહોતી મળી.