દિલ્હી વતી કૅપ્ટન મેગ લૅનિંગે ૩૯ રન, શેફાલી વર્માએ ૧૬ રન અને એલિસ કૅપ્સીએ ૩૪ રન બનાવ્યા હતા.
Women’s Premier League
એલિસ કૅપ્સી
ડબ્લ્યુપીએલમાં દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે યુપી વૉરિયર્ઝને પાંચ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં મોખરે રહીને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બીજા નંબરના મુંબઈ અને ત્રીજા ક્રમના યુપી વચ્ચે એલિમિનેટર રમાશે, જેમાં જીતનાર ટીમ ફાઇનલ દિલ્હી સામે રમશે. બ્રેબર્ન સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડની એલિસ કૅપ્સી સુપરસ્ટાર હતી. દિલ્હીએ પૉઇન્ટ ટેબલ પર નંબર-વન થવા ૧૩૯ રનનો ટાર્ગેટ ૧૯.૪ ઓવરમાં મેળવવાનો હતો પણ એણે ૧૭.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને એ મેળવી લીધો હતો. દિલ્હી વતી કૅપ્ટન મેગ લૅનિંગે ૩૯ રન, શેફાલી વર્માએ ૧૬ રન અને એલિસ કૅપ્સીએ ૩૪ રન બનાવ્યા હતા.
પ્રથમ બૅટિંગ મળતાં યુપીએ ૭થી ૮ના રનરેટથી રમવાનું શરૂ કર્યું હતું, પણ પાંચમી ઓવરમાં શ્વેતા સેહરાવતની વિકેટ પડતાં યુપીનું રનમશીન ધીમું પડી ગયું હતું. અલીઝા હીલી (૩૬ રન, ૩૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ એક છેડેથી ફટકાબાજી ચાલુ રાખી હતી, પણ સામા છેડે સિમરન શેખ (૨૩ બૉલમાં માત્ર ૧૧ રન) સતત ડિફેન્સિવ અને ધીમું રમતાં સ્કોર ધીમી ગતિએ જ આગળ વધતો રહ્યો હતો. છેલ્લી પાંચ ઓવરમાં તાહલિઆ મેકગ્રાની હિટિંગને લીધે રનરેટ થોડો સુધર્યો હતો અને એ પાંચ ઓવરમાં ૪૬ રન બનતાં યુપીને ૨૦ ઓવરમાં ૧૩૮/૬નો સન્માનજનક સ્કોર મળ્યો હતો. મેકગ્રા છેલ્લી પાંચ ઓવરમાં ૧૯ પરથી ૫૮ રન પર પહોંચી ગઈ હતી. તેણે આ અણનમ ૫૮ રન ૩૨ બૉલમાં બે સિક્સર, આઠ ફોરની મદદથી બનાવ્યા હતા. દિલ્હીની એલીસ કૅપ્સીએ ત્રણ અને રાધા યાદવે બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
તાન્યાનાં રેકૉર્ડ ચાર સ્ટમ્પિંગ
દિલ્હીની વિકેટકીપર તાનિયા ભાટિયાએ યુપીની ચાર બૅટરને સ્ટમ્પિંગમાં પૅવિલિયનભેગી કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે.
યુપીના ચાર કૅચ છૂટ્યા
યુપીની બૅટર્સને દિલ્હીની ફીલ્ડર્સના હાથે ચાર જીવતદાન મળ્યાં હતાં, જેનો યુપીની બૅટર્સ પૂરો લાભ નહોતી લઈ શકી.