‘રિચાને અન્ડર-19 ટીમ માટેની ટ્રાયલ વખતે મેં લોન લઈને બૅટ લઈ આપ્યું હતું
રિચા ઘોષ
ભારતીય મહિલા ટીમની મુખ્ય વિકેટકીપર-બૅટર રિચા ઘોષને સોમવારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ ૧.૯૦ કરોડ રૂપિયામાં મેળવી એ બદલ ખુદ રિચા તો બેહદ ખુશ છે જ, તેના પપ્પા મનબેન્દ્ર ઘોષ પણ ખુશખુશાલ છે. એનું કારણ એ છે કે તેઓ પુત્રીને તેના જ ઑક્શનના પૈસાથી નવો ફ્લૅટ અપાવવા ઉત્સુક છે.
રવિવારે પાકિસ્તાનની બે બૅટરનો કૅચ પકડવા ઉપરાંત એક બૅટરને સ્ટમ્પિંગમાં આઉટ કરાવ્યા પછી ૨૦ બૉલમાં પાંચ ફોરની મદદથી અણનમ ૩૧ રન બનાવનાર રિચાના પપ્પાએ એક મુલાકાતમાં કહ્યું કે ‘રિચાને અન્ડર-19 ટીમ માટેની ટ્રાયલ વખતે મેં લોન લઈને બૅટ લઈ આપ્યું હતું. હવે ઈશ્વરની કૃપાથી તેને ઑક્શનમાં પુષ્કળ રકમ મળવાની છે એનાથી હું તેને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની નજીક ફ્લૅટ લઈ આપીશ.’

