ઇંગ્લૅન્ડના ઓવલમાં રમાનારી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં બૅટિંગ પિચ પર લોકેશ અથવા સૅમસનને પણ રમાડવો જરૂરી
હાર્દિક પંડ્યા
ક્રિકેટની રમતનો વ્યાપારિક ધોરણે પ્રચાર થતાં હાલ ખાસ કરીને આપણા દેશમાં ભારતીય ક્રિકેટ બોર્ડ પૈસામાં આળોટે છે એટલે નહીં, પણ પૈસો લણાય એટલો લણી લ્યો. ફક્ત બીસીસીઆઇ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પણ આ નીતિ અપનાવી હોય એમ ક્રિકેટ રમતા મુખ્ય દેશો ઉપરાંત અસોસિએટ મેમ્બરો વચ્ચે ચારેકોર ક્રિકેટ રમતોનું ઘડિયાળના કાંટાની જેમ આયોજન થાય છે. આથી એવી ભીતિ સહેજે થાય કે ક્રિકેટના અતિરેકથી ક્રિકેટચાહકો ક્રિકેટની રમતથી થાકી ન જાય અથવા તો ક્રિકેટની રમતથી મુખ ફેરવી ન લે.
ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતે શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનું વિશ્લેષણ થાય ત્યાં સુધીમાં તો વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ અને એ વિશે ચર્ચા સમાપ્ત થાય એ પહેલાં તો ઇન્ડિયન પ્રીમિયર લીગ ધૂમધડાકા સાથે વાજતેગાજતે શરૂ થઈ ચૂકી છે. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસકર ટ્રોફી બે વિરુદ્ધ એક ટેસ્ટ મૅચ જીતીને ટ્રોફી જાળવી રાખી. ૫૦ ઓવરની વન-ડે શ્રેણી બે વિરુદ્ધ એકથી ગુમાવી અને એ પણ ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતના ઘરઆંગણે રમાનાર વિશ્વ કપ સ્પર્ધાના વર્ષમાં.
ભારતે ટેસ્ટ શ્રેણી જરૂરથી જીતી, પણ વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે જરૂરી ત્રણ ટેસ્ટ મૅચ જીતવા સ્પિનર્સ વિકેટો બનાવી. કબૂલ કે ભારતીય ટીમે નાગપુર ટેસ્ટ મૅચમાં રોહિત શર્માની સદી તથા ડાબેરી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને અશ્વિનના લીધે જીત હાંસલ કરી તથા દિલ્હી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના બૅટર્સ ઝાડુ કાઢતા હોય એમ બીજા દાવમાં તો સ્વિફ્ટ કરીને જ ટેસ્ટ મૅચ ભારતીય ખેલાડીના ખોળામાં ધરી દીધી. બાકીની બે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લાયને દિગ્ગજ શેન વૉર્ન ભારતમાં જે ન કરી શક્યો એ ભારતીય બૅટર્સની સ્પિનરો સામે રમવાની બિનઆવડત નબળાઈ છતી કરી દીધી. જો આપણને ખાતરી ન થતી હોય તો ઇન્દોર ટેસ્ટ મૅચમાં ભારતીય બૅટર્સને ઑસ્ટ્રેલિયન સ્પિનરોએ એવા તો ઉઘાડા પાડી દીધા કે હવે આપણે છાતી ઠોકીને કહી ન શકીએ કે સ્પિનરો સામે રમવામાં આપણે પાવરધા છીએ. આપણા બૅટ્સમેનો સ્પિનરો સામે ફુટવર્કનો ઉપયોગ કરતા ભૂલી ગયા છે એ હવે કબૂલ કરવું રહ્યું.
જ્યારે વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે લંડનની ઠંડી આબોહવામાં પાંચ દિવસની એકમાત્ર ટેસ્ટ મૅચ માટે હાર્દિક પંડ્યા, હાજી, હાર્દિક પંડ્યાને માનસિક તથા શારીરિક રીતે તૈયાર કરવો રહ્યો, જેથી કરીને ભારતીય ટીમનું સંતુલન જળવાઈ શકે. છ કલાક ચાલતી વન-ડે મૅચોમાં હાર્દિક પંડ્યા ૧૦ ઓવર તો નાખે છે તો રોજના છ કલાકની ટેસ્ટ મૅચમાં ૧૦થી ૧૨ ઓવર પંડ્યા પાસે કરાવી ન શકાય? વધુમાં હાર્દિક પંડ્યાની બૅટિંગ ઓવલની બૅટિંગ પિચ પર ખૂબ જ ખપમાં આવશે, એમાં શંકાને સ્થાન નથી અને જો પંડ્યા રમે અને વિકેટકીપર તરીકે કે. રાહુલનો અથવા તો સંજુ સૅમસનનો સમાવેશ કરી શકાય. ભારતીય ટીમમાં જાડેજા-અશ્વિન ફાઇનલમાં સાથે રમી શકે એમ નથી લાગતું. રોહિતે હાર્દિક પંડ્યા મામલે કોલ લઈને ભારતીય ટીમ માટે એક જૂગટું ખેલવું જ રહ્યું.