સૅમસનની ટીમમાં સારા ખેલાડીઓની ભરમાર છે તો છેલ્લાં બે વર્ષથી હૈદરાબાદની ટીમ ભારે સંઘર્ષ કરી રહી છે
ગયા વર્ષ જેવી જ રમત બતાવવા માગતા રાજસ્થાનને રોકી શકશે હૈદરાબાદ?
ગયા વર્ષે રનરઅપ રહેનાર રાજસ્થાન ટીમ આ વખતે પણ પોતાનું પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગે છે. આજે ટીમની ટક્કર હૈદરાબાદ સામે હશે. સંજુ સૅમસનના નેતૃત્વવાળી ટીમ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓથી ભરપૂર છે. ગયા વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર પર્પલ કૅપ યુઝવેન્દ્ર ચહલને તો સૌથી વધુ રન કરવા બદલ ઑરેન્જ કૅપ જોશ બટલરને ફાળે આવી હતી. રાજસ્થાન કોઈ પણ મૅચ સરળતાથી હારતું નથી એવી છાપ એણે બનાવી છે. ભારતના શ્રેષ્ઠ સ્પિનર ચહલ અને રવિચન્દ્રન અશ્વિન ઉપરાંત ઑસ્ટ્રેલિયાનો ઍડમ ઝૅમ્પા પણ ટીમમાં છે. આમ લીગમાં સૌથી શ્રેષ્ઠ બોલર રાજસ્થાન પાસે છે. વળી બૅટિંગમાં જોશ બટલરની આગેવાનીમાં હરીફ ટીમના બોલિંગ આક્રમણને બુઠ્ઠું બનાવી શકે છે. ગયા વર્ષે તેણે ૮૬૩ રન બનાવ્યા હતા. આ ઉપરાંત સૅમસન, શિમરોન હૅટમાયર અને જેસ હોલ્ડર પણ છે.
બીજી તરફ હૈદરાબાદ બે સીઝનમાં મળેલા પરાજય બાદ સંઘર્ષ કરી રહી છે. ૨૦૨૧ની સીઝનમાં તેઓ આઠમા ક્રમાંકે રહ્યા હતા, તો ૨૦૨૨માં કેન વિલિયમસનને નેતૃત્વ સોંપ્યું છતાં ૧૦ ટીમમાંથી આઠમા ક્રમાંકે રહી હતી. આ વખતે સાઉથ આફ્રિકાના ઓપનર ઍડમ માર્કરમને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. જોકે તે ત્રીજી એપ્રિલે આવવાનો હોવાથી ભુવનેશ્વર કુમાર ટીમનું નેતૃત્વ સંભાળશે. મધ્ય પ્રદેશ સામે ગયા મહિનામાં ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાનું નેતૃત્વ સંભાળનાર મયંક અગ્રવાલ બૅટથી પ્રભાવિત કરી શક્યો નહોતો. એથી બૅટિંગ વધારે મજબૂત દેખાતી નથી. ન્યુ
ઝીલૅન્ડનો વિકેટકીપર-બૅટર્સ ગ્લેન ફિલિપ્સ પર બધી આશા છે. બોલિંગમાં હૈદરાબાદની તાકાત ઉમરાન મલિક, અનુભવી ભુવનેશ્વર કુમાર અને સાઉથ આફ્રિકાનો માર્કો જૉનસન છે. ભુવનેશ્વર કુમાર ૨૦૧૩થી ટીમની સાથે છે. સાત વખત તેણે ટીમની કૅપ્ટન્સી પણ સંભાળી છે. તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે.