ક્રિકેટપ્રેમીઓનો સવાલ છે કે ૫૦ ઓવરની વન-ડે મૅચ સાડાત્રણ કલાકમાં પૂરી થઈ જતી હોય તો કુલ ૪૦ ઓવરની આઇપીએલની મૅચ પૂરી થતાં ચાર-ચાર કલાક કેમ લાગે છે?
પ્રતિકાત્મક તસવીર
સામાન્ય રીતે વન-ડે ઇન્ટરનૅશનલ કુલ મળીને સાડાત્રણ કલાકમાં પૂરી થઈ જતી હોય છે, પરંતુ આઇપીએલની મૅચ સરેરાશ ચાર કલાક સુધી ચાલતી હોવાના મુદ્દે ચકચાર જાગી છે અને એ પાછળનાં કારણો ચકાસીને આઇપીએલની પ્રત્યેક મૅચની એક ઇનિંગ્સ ૯૦ મિનિટમાં અને આખી મૅચ ૩ કલાક, ૨૦ મિનિટમાં પૂરી થાય એની તકેદારી લેવા સત્તાધીશો પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે.
ક્રિકેટપ્રેમીઓનો સવાલ છે કે ૫૦ ઓવરની વન-ડે મૅચ સાડાત્રણ કલાકમાં પૂરી થઈ જતી હોય તો કુલ ૪૦ ઓવરની આઇપીએલની મૅચ પૂરી થતાં ચાર-ચાર કલાક કેમ લાગે છે? આ પાછળનાં કેટલાંક સંભવિત કારણો ચર્ચામાં છે. આ વખતની આઇપીએલમાં કેટલાક નવા નિયમો લાગુ કરાયા છે જે કારણભૂત હોવાનું મનાય છે. હવે વાઇડ બૉલ અને નો બૉલ માટે પણ રિવ્યુ માગવાની છૂટ છે, જેમાં વધારાનો સમય જાય છે. ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ પણ આવ્યો હોવાથી એની પાછળ પણ થોડો વધુ સમય જાય છે. સ્ટ્રૅટેજિક ટાઇમ-આઉટ માટે તો સમય આપવો જ પડતો હોય છે અને અધૂરામાં પૂરું ક્યારેક ફીલ્ડિંગ કરતી ટીમમાં મેદાન પર જ થોડી ક્ષણો માટે ટીમ-મીટિંગ થઈ જતી હોય છે.