સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને સ્ક્વૉડમાં સમાવ્યો હોવા છતાં તેને નહોતો રમાડ્યો એ વિશે ટીમના બોલિંગ-કોચ શેન બૉન્ડે મૌન તોડ્યું છે.
અર્જુન તેંડુલકર
તાજેતરમાં પૂરી થયેલી આઇપીએલની ૧૫મી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ શરૂઆતથી છેક સુધી ખરાબ હાલતમાં હતી અને આ સીઝનમાં એણે ૨૪માંથી ૨૧ ખેલાડીઓને અજમાવ્યા, પરંતુ સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને સ્ક્વૉડમાં સમાવ્યો હોવા છતાં તેને નહોતો રમાડ્યો એ વિશે ટીમના બોલિંગ-કોચ શેન બૉન્ડે મૌન તોડ્યું છે.
લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બૉન્ડે ‘સ્પોર્ટ્સકીડા’ને કહ્યું છે કે ‘જુનિયર તેન્ડુલકરે તેની બૅટિંગ અને ફીલ્ડિંગ સુધારવાની જરૂર છે. મુંબઈની સ્ક્વૉડમાં જગ્યા મેળવવી અને ઇલેવનમાં સ્થાન મેળવવું એ બન્નેમાં ફરક છે. અર્જુને હજી ઘણી મહેનત કરવાની છે. ખેલાડીને ઇલેવનમાં સ્થાન મળે એના કરતાં તેણે મહેનતથી એમાં જગ્યા બનાવવી પડે અને આ વાત કોઈ પણ ખેલાડીને લાગુ પડે. હું આશા રાખું કે અર્જુન પોતાની ટૅલન્ટથી મોડોવહેલો ટીમમાં જગ્યા બનાવશે જ.’