Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જ્યાં વર્લ્ડ કપની ઇન્ડિયાની મૅચ રમાય ત્યાં આ ચાર ભાઈબંધો અચૂક જોવા મળશે

જ્યાં વર્લ્ડ કપની ઇન્ડિયાની મૅચ રમાય ત્યાં આ ચાર ભાઈબંધો અચૂક જોવા મળશે

Published : 19 November, 2023 12:15 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વર્લ્ડ કપની ભારતની તમામ મૅચ જોતાં-જોતાં ૧૪,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ફાઇનલ મૅચ જોવા અમદાવાદ પહોંચ્યા છે આ ચાર ગુજરાતી દોસ્તો. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં પહેલી વાર ભારતની બધી મૅચો જોવાનું શરૂ કરેલું અને એ સિલસિલો ૨૦૧૫, ૨૦૧૯ અને હાલના વર્લ્ડ કપમાં પણ ચાલુ..

જ્યાં વર્લ્ડ કપની ઇન્ડિયાની મૅચ રમાય ત્યાં આ ચાર ભાઈબંધો અચૂક જોવા મળશે

જ્યાં વર્લ્ડ કપની ઇન્ડિયાની મૅચ રમાય ત્યાં આ ચાર ભાઈબંધો અચૂક જોવા મળશે


તમે વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ કેટલી વાર સ્ટેડિયમમાં બેસીને જોવા જાઓ? એક વાર, કદાચ બે વાર, પણ પછી તો સતત જોવા જવી શક્ય એટલા માટે ન બને કે વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જુદા-જુદા દેશોમાં રમાતી હોય એટલે જવું તો લગભગ શક્ય બને નહીં, પણ દીવના ચાર ક્રિકેટ ક્રેઝી ગુજરાતી દોસ્તો એવા છે જેમણે ૨૦૧૧માં રમાયેલા વર્લ્ડ કપથી શરૂઆત કરીને સતત ચાર વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ જ્યાં રમવા જાય એ સ્ટેડિયમમાં પહોંચી જઈને એકસાથે ભારતની તમામ મૅચો જોઈ છે. ૨૦૧૧માં રમાયેલા આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપથી એકસાથે જોવાની શરૂઆત કરી એ પછી ૨૦૧૫, ૨૦૧૯ અને હવે ૨૦૨૩માં પણ એકસાથે એક કારમાં બેસીને ભારતની મૅચ જ્યાં રમાતી હોય ત્યાં સ્ટેડિયમમાં બેસીને મૅચ જોવા ગયા છે અને હવે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે આ ચાર મિત્રોની ટોળી અમદાવાદ આવી પહોંચી છે. 


આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ભારતમાં રમાયેલી તમામ મૅચ જોતાં-જોતાં ૧૪,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી ફાઇનલ મૅચ જોવા ચાર ગુજરાતી જબરા ક્રિકેટ ફૅન્સ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ ચાર મિત્રો છે કલાપી મગન, મુશ્તાક ઇસ્માઇલ, અમરચંદ વાલજી અન હિતેન કીર્તિકુમાર. એ ચાર પૈકીના કલાપી મગન અને અમરચંદ વાલજી લંડન રહે છે. બાળપણમાં આ મિત્રો દીવ રહેતા હતા અને એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા એ સમયથી તેમની વચ્ચે પાક્કી દોસ્તી છે જે આજે પણ અકબંધ છે. તેઓ ક્રિકેટના જબરા શોખીન છે. ભારતમાં રમાયેલી વર્લ્ડ કપની મૅચો ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને શ્રીલંકામાં પણ સાથે મૅચ જોવા ગયા છે. આ દોસ્તો અત્યારે જે કાર લઈને નીકળ્યા છે એના પર લખ્યું છે, ‘ટૂર ઑફ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩, કમ ઑન ઇન્ડિયા, દોસ્તી ગ્રુપ – દીવ.’




ઇંગ્લૅન્ડમાં રમાયેલી મૅચ જોવા ગયેલા મિત્રો.

મિત્રો એકસાથે ભેગા મળીને વર્લ્ડ કપની મૅચ જોવા જતા હોવા વિશે વાત કરતાં લંડનના વેમ્બલીમાં રહેતા અને ત્યાં ક્રિકેટ રમતા કલાપી મગન કહે છે, ‘અમે મૂળ તો દીવના, પણ હાલ લંડન રહું છું. અમે બધા બાળપણના મિત્રો છીએ. નાનપણથી સૌ દીવમાં મોટા થયા અને ક્રિકેટના ફૅન્સ છીએ. હું પોતે પોર્ટુગલની ટીમમાંથી ક્રિકેટ રમ્યો હતો અને ૧૯૯૫માં લંડન ગયો હતો. ત્યાં પણ હું લીગ મૅચમાં રમું છું. વર્લ્ડમાં કોઈ પણ દેશમાં આઇસીસી વર્લ્ડ કપની મૅચ રમાય ત્યાં જોવા જવાનું અમે પ્લાનિંગ ૨૦૧૧માં કર્યું હતું. વર્લ્ડ કપમાં ભારતની મૅચ હોય એ જોવાનું નક્કી કર્યું હતું. એ સમયે ભારતમાં વર્લ્ડ કપ રમાયો હતો. બસ ત્યાર બાદ અમે ૨૦૧૫, ૨૦૧૯ અને હવે ૨૦૨૩માં વર્લ્ડ કપમાં ભારતની મૅચ જ્યાં રમાઈ ત્યાં જોવા ગયા છીએ. મૅચ જોવા માટે અમે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા પણ ગયા છીએ. ૨૦૧૧માં પણ અમે કાર લઈને મૅચ જોવા ગયા હતા અને ૨૦૦૩માં પણ વર્લ્ડ કપ રમાયો એ પણ જોવા ગયા હતા. હાલમાં જે કાર લઈને આવ્યા છીએ એ કાર મિત્ર મુશ્તાકની છે. અમે બધા મૅરિડ છીએ અને ઘરવાળાને કહીને અમે બધા મિત્રો મૅચ જોવા આવ્યા છીએ. અમારી ફૅમિલીને પણ અમારા ક્રિકેટ-શોખની જાણ છે.’ 


આ વર્લ્ડ કપ ભારત જીતશે એ વિશે વાત કરતાં કલાપી મગન કહે છે, ‘ભારતના બધા જ પ્લેયર ફૉર્મમાં છે. બોલિંગ-બૅટિંગમાં એક-એકથી ચડિયાતા ખેલાડીઓ છે. બીજી વાત એ માર્ક કરી છે કે ૨૦૧૧થી વર્લ્ડ કપની મૅચ બધા ઘરઆંગણે જીત્યા છે એટલે આ વખતે આપણે વર્લ્ડ કપ જીતીશું. ૨૦૧૧માં આપણે જીત્યા હતા. ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમાયો ત્યારે ઑસ્ટ્રેલિયા જીત્યું હતું અને ૨૦૧૯માં ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ રમાયો ત્યારે ઇંગ્લૅન્ડ જીત્યું હતું. હવે ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તો ચોક્કસ ભારત વર્લ્ડ કપ જીતશે. પાછું આપણી ટીમને અહીં હોમ ઍડ્વાન્ટેજ મળશે. રોહિત શર્મા સ્ટાર્ટ એવું આપે છે કે બીજા પ્લેયર માટે ગેમ રમવી ઇઝી થઈ જાય છે.’

મૅચ જોવા અમદાવાદ આવી પહોંચેલા મિત્રો.

સર્વિસમાં ૪૦ દિવસની રજા મૂકીને વર્લ્ડ કપની મૅચ જોવા મિત્રો સાથે અમદાવાદ આવેલા અને દીવમાં રહેતા મુશ્તાક ઇસ્માઇલ તેમની ટૂર ઑફ ક્રિકેટ વર્લ્ડ કપ વિશે વાત કરતાં કહે છે કે ‘મુંબઈમાં સેમી ફાઇનલ મૅચ જોઈને અમે સીધા અમદાવાદ આવ્યા છીએ. આ વર્લ્ડ કપમાં ભારત જ્યાં મૅચ રમવા ગયું એ શહેરમાં અમે મૅચ જોવા ગયા હતા અને ભારતીય ટીમને સપોર્ટ કર્યો હતો. અમે અત્યાર સુધી ૧૪,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી ચૂક્યા છીએ. નાની-મોટી તકલીફોને બાદ કરતાં કોઈ પ્રૉબ્લેમ આવ્યો નથી.’
બાળપણમાં રેડિયો પર ક્રિકેટની કૉમેન્ટરી સાંભળીને ક્રિકેટના ફૅન્સ બનેલા મૂળ દીવના અને હાલ લંડનના વેમ્બલીમાં સ્ટોનબ્રિજ પાર્કમાં રહેતા અમરચંદ વાલજી કહે છે, ‘હું લંડનમાં જૉબ કરું છું, પરંતુ મિત્રો સાથે મળીને વર્લ્ડ કપ જોવા માટે એક મહિનાની રજા લઈને મૅચ જોવા ભારત આવ્યો છું. અમે બધા મિત્રો સાથે મૅચ જોવા ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા ગયા છીએ. હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે ક્રિકેટ રમતો હતો. કલાપી પણ ક્રિકેટ રમતો. હું ૮ વર્ષનો હતો ત્યારથી રેડિયો પર ક્રિકેટની કૉમેન્ટરી આવતી એ સાંભળતો હતો. સુશીલ દોશીની કૉમેન્ટરી મને બહુ ગમતી. અમે બધા દીવમાં સાથે અભ્યાસ કરતા, પણ હું બાકીના ત્રણ મિત્રો કરતાં એક વર્ષ આગળ હતો.’ 

કારમાં સફર કરવાની વાત કરતાં અમરચંદ વાલજી કહે છે, ‘અમે ચાર મિત્રો કાર ચલાવીએ છીએ. એક થાકી જાય ત્યારે બીજો કાર ચલાવી લે. એમ કરતાં-કરતાં અમે અમદાવાદ આવી પહોંચ્યા છીએ. કાર મોટી છે એટલે બે મિત્રો આગળ બેસે, જેને સૂવું હોય તે વચ્ચેની સીટ પર સૂઈ જાય. એ સીટ અમે ખાસ સૂવા માટે ખાલી રાખી છે. બાકીના મિત્ર પાછળ બેસે. કારમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે બેસીને જવાનું થાય એટલે લૉન્ગ રૂટમાં થાક પણ લાગે અને તકલીફ જેવું થાય, પરંતુ ક્રિકેટ મૅચ જોવાની હોવાથી થાક પાછો આપોઆપ ઊતરી પણ જાય. બીજું એ કે અમે અમારી કારમાં વચ્ચેની સીટ સૂવા માટે રાખી હોવાથી થોડો આરામ પણ કરી લઈએ. બાકી વારાફરતી અમે મિત્રો કાર ચલાવીને આગળ વધતા રહીએ. બે મૅચ વચ્ચે થોડા દિવસોનો વિરામ આવે અને ભારતની મૅચ બીજા શહેરમાં હોય ત્યારે અમે વચ્ચે આવતાં ફરવાનાં સ્થળોએ પણ લટાર મારી આવીએ. આ વખતે અમે મંદિર અને મસ્જિદમાં જઈને આગળ વધ્યા છીએ. કેદારનાથ, બદરીનાથ, અયોધ્યા, ઉજ્જૈન અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ દર્શન કર્યાં હતાં.’ 

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 12:15 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK