ક્રેગ બ્રેથવેટે નિવૃત્તિ પહેલાં ટેસ્ટ-કૅપ્ટન્સી છોડી દેતાં નવો કૅપ્ટન શોધવો પડશે
રોવમન પૉવેલ, ડ્વેઇન બ્રાવો
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટમાં હાલમાં મોટી ઊથલપાથલ થઈ રહી છે. ૩૧ વર્ષના રોવમન પૉવેલ પાસેથી T20ની કૅપ્ટન્સી છીનવી લઈને વન-ડે ટીમના કૅપ્ટન શાઇ હોપને T20 ફૉર્મેટનો પણ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. પૉવેલની કૅપ્ટન્સીમાં ૨૦૨૩થી વેસ્ટ ઇન્ડીઝે ૩૭માંથી ૧૯ મૅચમાં જીત અને ૧૭માં હારનો સામનો કર્યો હતો, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. તેની કૅપ્ટન્સીમાં ટીમે ICC રૅન્કિંગમાં નવમાથી પાંચમા ક્રમે છલાંગ લગાવી હતી. ૩૧ વર્ષના શાઇ હોપની કૅપ્ટન્સીમાં ટીમે ૨૯માંથી ૧૫ વન-ડે મૅચ જીતી છે અને ૧૩ મૅચ ગુમાવી છે, જ્યારે એક મૅચ ટાઇ રહી હતી.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના આ નિર્ણય સામે અવાજ ઉઠાવતાં ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે, ‘વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ, તમે ફરી એક વાર કૅરિબિયન લોકો અને ક્રિકેટજગતને સાબિત કરી દીધું છે કે પ્લેયર્સ સાથે અન્યાય ચાલુ છે. આ ક્યારે બંધ થશે? આ દરેક સ્તરે ખૂબ જ દુખદ છે.’
ADVERTISEMENT
તેણે આ પોસ્ટ સાથે #JusticeForRP હેસ્ટૅગ પણ લગાવ્યો હતો.
૩૨ વર્ષના ક્રેગ બ્રેથવેટે પોતાની નિવૃત્તિ પહેલાં ટેસ્ટ-ક્રિકેટમાંથી કૅપ્ટન્સી છોડી દીધી છે. તેની કૅપ્ટન્સીમાં ટીમે ૩૯માંથી માત્ર ૧૦ ટેસ્ટ-મૅચમાં જીત મેળવી છે, બાવીસ મૅચમાં હાર થઈ છે અને સાત મૅચ ડ્રૉ રહી હતી. તેણે ૨૦૨૧માં જેસન હોલ્ડરની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું. નવા ટેસ્ટ-કૅપ્ટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

