ટીમ ઇન્ડિયાના દેખાવથી બેહદ નારાજ સેહવાગે ખેલાડીઓના અપ્રોચને જૂનોપુરાણો ગણાવ્યો ઃ મદન લાલે તો કહ્યું કે આ ટીમમાં બળ કે પૅશન જેવું કંઈ દેખાતું જ નથી
ફાઇલ તસવીર
ભૂતપૂર્વ ક્રિકેટરો વીરેન્દર સેહવાગ અને વેન્કટેશ પ્રસાદે બંગલાદેશમાં પહેલી બન્ને વન-ડે હારીને સિરીઝની ટ્રોફી ગુમાવી બેઠેલી ભારતીય ટીમના અપ્રોચની ખૂબ ટીકા કરી છે અને કહ્યું છે કે ‘આ જૂનાપુરાણા અભિગમથી રમો તો ન જીતી શકાય.’ વીરુદાદાએ ગઈ કાલે ટ્વિટર પર આક્રોશ ઠાલવતાં એવું પણ લખ્યું કે ‘ક્રિપ્ટોસ સે ભી તેઝ ગિર રહી હૈ અપની પર્ફોર્મન્સ યાર.’
વાઇટ બૉલ ક્રિકેટના ફૉર્મેટમાં ભારતનો પર્ફોર્મન્સ થોડા સમયથી કંગાળ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ બંગલાદેશ સામેની નામોશી પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં ઓડીઆઇ સિરીઝ ૦-૧થી હારી ગયા હતા. સેહવાગે ટીમ ઇન્ડિયાને ‘હવે તો જાગો’ એવા કથન સાથે પોતાની આગવી સ્ટાઇલમાં કહ્યું કે હવે તો તમારે પર્ફોર્મન્સ સુધારવો જ પડશે. જેમ ૨૦૧૫માં ઇંગ્લૅન્ડની ટીમ વર્લ્ડ કપના પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી, પરંતુ પછીથી કેટલાંક આકરાં પગલાં ભરવામાં આવ્યાં હતાં અને એ ટીમ પછીથી એવી એક્સાઇટિંગ થઈ ગઈ કે ૨૦૧૯માં વર્લ્ડ કપ જીતી ગઈ. ભારતે આવો અપ્રોચ અપનાવવાની જરૂર છે. આઇપીએલની ૨૦૦૮માં શરૂઆત થયા બાદ આપણે ટી૨૦નો એકેય વર્લ્ડ કપ નથી જીત્યા અને છેલ્લાં પાંચ વર્ષમાં વન-ડેમાં પણ આપણો પર્ફોર્મન્સ ખરાબ રહ્યો છે. આટલા લાંબા સમયથી આપણે ભૂલો સુધારી જ નથી શક્યા.’
ADVERTISEMENT
મદન લાલે પી.ટી.આઇ.ને ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ભારતીય ટીમ યોગ્ય દિશામાં નથી જઈ રહી. ખેલાડીઓમાં શક્તિ અને પૅશન જેવું કંઈ દેખાતું નથી. છેલ્લાં બે વર્ષમાં મને આપણી ટીમમાં જોશ જેવું કંઈ દેખાયું જ નથી.’
વેન્કટેશ પ્રસાદે ભારતીય ક્રિકેટની થિન્ક-ટૅન્કને ટીમનો પર્ફોર્મન્સ સુધારવાના હેતુથી થોડા આકરા નિર્ણય લેવાની સલાહ આપી છે.
આવતી કાલે છેલ્લી વન-ડે : ભારતે વાઇટવૉશ ટાળવો પડશે
સિરીઝની પહેલી બન્ને દિલધડક વન-ડે હારીને સિરીઝની ટ્રોફી ૦-૨થી ગુમાવી બેઠેલા ભારતની આવતી કાલે (સવારે ૧૧.૩૦ વાગ્યાથી લાઇવ) બંગલાદેશ સામે ત્રીજી અને આખરી મૅચ રમાશે. આ મુકાબલો જીતીને બંગલાદેશ પોતાના ઓડીઆઇના ઇતિહાસમાં ૩-૦ની ક્લીન સ્વીપ સાથે નવું પ્રકરણ ઉમેરી શકશે. જોકે આવતા વર્ષના ઑક્ટોબરના વન-ડે વર્લ્ડ કપના યજમાન ભારતે આજે વાઇટવૉશથી કેમેય કરીને બચવું પડશે. રોહિત શર્મા હાથની ઈજાને કારણે નહીં રમે. ઈજાગ્રસ્તો દીપક ચાહર અને કુલદીપ સેન પણ આવતી કાલે નથી રમવાના.