વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કિંગ કોહલીએ કહી દિલની વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિરાટ કોહલી
ક્રિકેટ જેવી રમતો માત્ર ઍક્શન પૂરતી સીમિત નથી, નવી પેઢીને આ રમત અને એના ખેલાડી પાસેથી કંઈ ને કંઈ શીખવા મળતું રહે છે. T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલી સાથે બનેલી ઘટનાઓ પણ વર્ષો સુધી યંગ ક્રિકેટર્સ માટે પ્રેરણારૂપ બની રહેશે. હાલમાં નરેન્દ્ર મોદી સાથેની ચર્ચામાં વિરાટ કોહલીએ સ્વીકાર્યું હતું કે તેનામાં અહંકાર આવી ગયો હતો. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘મેં એહસાસ કર્યો કે જ્યારે તમને એવું લાગે છે કે હું બધું કરી શકું છું ત્યારે ઈગો હાવી થઈ જાય છે અને ગેમ તમારાથી દૂર થતી જાય છે. હું મારા ઈગોને જ્યારે સાઇડ પર મૂકીને રમ્યો ત્યારે આ રમતે મને સન્માન આપ્યું.’
વિરાટ કોહલી ફાઇનલ મૅચ પહેલાં માત્ર ૭૫ રન ફટકારી શક્યો હતો, પરંતુ ફાઇનલમાં તેણે ૭૬ રનની ઇનિંગ્સ રમી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ઑરેન્જ કૅપ વિજેતા બનનાર વિરાટ કોહલી વર્લ્ડ કપ માટે પરિવાર સાથે મોડેથી ન્યુ યૉર્ક પહોંચીને ટીમ સાથે જોડાયો હતો. તેણે બંગલાદેશ સામેની પ્રૅક્ટિસ મૅચ પણ રમી નહોતી.