ડૉક્ટર્સે તેને કેટલીક સાવધાની રાખવા વિશે જણાવીને ડિસ્ચાર્જ આપ્યો છે.
ટીમ ઇન્ડિયાની જર્સીમાં હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો વિનોદ કાંબળી.
૨૦૨૪ના અંતિમ દિવસોમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે હૉસ્પિટલમાં દાખલ થયેલો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી ગઈ કાલે ડિસ્ચાર્જ થયો છે. બાવન વર્ષના વિનોદ કાંબળીને ભિવંડીના કાલ્હેરમાં આવેલી આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને મગજમાં ક્લૉટ હોવાની વાત જાણવા મળી હતી.
હવે તે સ્વસ્થ છે પણ તેને ચાલવામાં હજી બીજાની મદદ લેવી પડી રહી છે. ડૉક્ટર્સે તેને કેટલીક સાવધાની રાખવા વિશે જણાવીને ડિસ્ચાર્જ આપ્યો છે. ગઈ કાલે હૉસ્પિટલમાંથી નીકળતા સમયે તે ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો. તે હૉસ્પિટલમાં બૅટિંગ કર્યા બાદ કારમાં બેઠો હતો. છેલ્લાં બે અઠવાડિયાંમાં તેના હૉસ્પિટલમાં ડાન્સ સહિતના અનેક વિડિયો વાઇરલ થયા હતા. તેણે ડિસ્ચાર્જ થયા બાદ લોકોને નવા વર્ષની શુભેચ્છા આપવા સાથે કહ્યું હતું કે ‘દારૂ અને ડ્રગ્સથી દૂર રહો, એનાથી જીવન બરબાદ થઈ જાય છે. હું બહુ જલદી મેદાન પર પાછો ફરીશ.’