મગજના ક્લૉટની સમસ્યાનો સામનો કરનાર વિનોદ કાંબળીના હૉસ્પિટલના દિવસો વિશે મોટી વાત જાણવા મળી છે.
કપિલ દેવ અને વિનોદ કાંબળી
૨૦૨૫ના પહેલા દિવસે ભિવંડીના કાલ્હેરમાં આવેલી આકૃતિ હૉસ્પિટલમાંથી ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સ્વસ્થ થઈને ઘરે ગયો છે. મગજના ક્લૉટની સમસ્યાનો સામનો કરનાર વિનોદ કાંબળીના હૉસ્પિટલના દિવસો વિશે મોટી વાત જાણવા મળી છે. હૉસ્પિટલના ડિરેક્ટર શૈલેષ ઠાકુરે ખુલાસો કર્યો હતો કે ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે વિનોદ કાંબળી સાથે વિડિયો-કૉલ પર વાતચીત કરી હતી.
કાંબળીએ તેમને હેલો કપિલપાજી, કેમ છો કહીને વાતની શરૂઆત કરી હતી. કપિલ દેવે તેને સલાહ આપતાં કહ્યું હતું કે ‘હું તને મળવા આવીશ. તું હવે સારો દેખાઈ રહ્યો છો. દાઢી પણ રંગીન થઈ ગઈ છે. ઉતાવળ કરતો નહીં. જો તારે હજી થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે તો રહેજે. ડૉક્ટરને પૂછ કે શું હજી બે દિવસ રાહ જોવાની જરૂર છે? જ્યારે તું સારો થઈ જશે ત્યારે હું તને મળીશ.’
ADVERTISEMENT
રિપેરિંગના ૧૫,૦૦૦ રૂપિયા ન આપી શક્યો એટલે આઇફોન જપ્ત?
વિવિધ અહેવાલ અનુસાર ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરનો બાળપણનો મિત્ર વિનોદ કાંબળી આર્થિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યો છે. આઇફોન રિપેરિંગ માટે દુકાનદારને ૧૫,૦૦૦ રૂપિયા ન આપતાં દુકાનદારે તેનો મોબાઇલ જપ્ત કર્યો છે. અહેવાલ અનુસાર તે ૧૮ લાખ રૂપિયાનું મેઇન્ટેનન્સ પણ ચૂકવી શક્યો નથી, જેના કારણે તેની ફૅમિલીને ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવી શકે છે. જોકે કપિલ દેવ સહિતના મહાનુભાવોએ તેને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે.