તેણે ક્રિકેટ-ફૅન્સથી લઈને સૂર્યા અને ધોનીને પણ કર્યા પ્રભાવિત
મેદાન પર સૂર્યકુમાર યાદવ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કરી વિજ્ઞેશના પ્રદર્શનની પ્રશંસા.
રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પણ આ મૅચથી મુંબઈને પોતાનો ભાવિ સ્ટાર ક્રિકેટર મળ્યો છે. કેરલાના રિક્ષા-ડ્રાઇવરના ૨૪ વર્ષના દીકરા વિજ્ઞેશ પુથુરે IPLની પોતાની પહેલી જ મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ-ફૅન્સ, કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓનર નીતા અંબાણી સાથે હરીફ ટીમના મહાનાયક એમ. એસ. ધોનીના મનમાં પણ ઊંડી છાપ છોડી છે.
ADVERTISEMENT
ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ બોલરનો અવૉર્ડ નીતા અંબાણીએ આપ્યો ત્યારે વિજ્ઞેશ પુથુર તેમને પગે લાગ્યો હતો.
૩૦ લાખ રૂપિયાના આ ડાબોડી સ્પિનરે મૅચમાં ચાર ઓવરમાં ૩૨ રન આપીને ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડાની વિકેટ લઈને પૅવિલિયનમાં બેસાડી દીધા હતા. વિજ્ઞેશ પુથુર સરકારી કૉલેજમાં અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે. તે હજી સુધી ફર્સ્ટ-ક્લાસ કે લિસ્ટ-એ લેવલની મૅચ પણ રમ્યો નથી. મુંબઈ ઇન્ડિયન્સની મજબૂત સ્કાઉટિંગ સિસ્ટમને કારણે ક્લબ લેવલની ટુર્નામેન્ટ દરમ્યાન તેની પ્રતિભાની ઓળખ થઈ હતી. વિજ્ઞેશને સાઉથ આફ્રિકામાં SA20ની ત્રીજી સીઝન દરમ્યાન ચૅમ્પિયન ટીમ MI કેપટાઉનના કૅમ્પમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન સહિતના પ્લેયર્સ તરફથી ટ્રેઇનિંગ મળી છે.

