સેમી ફાઇનલમાં વિદર્ભે આપેલા ૪૦૬ રનના ટાર્ગેટ સામે ૩૨૫ રને ઑલઆઉટ થઈ ૮૦ રનથી હારી ગયું મુંબઈ
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની સેમી ફાઇનલના અંતિમ દિવસે જીત માટે મુંબઈને ૩૨૩ રન અને વિદર્ભને સાત વિકેટની જરૂર હતી, જેમાં વિદર્ભે ઝડપથી સાત વિકેટ લઈને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને ૮૦ રને હરાવીને સતત બીજી વાર અને ઓવરઑલ ચોથી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી. ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ સીઝનની રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમ વિદર્ભે ૪૨ વારની ચૅમ્પિયન મુંબઈ માટે મોટો અપસેટ સરજ્યો હતો. વિદર્ભની ટીમે પહેલી ઇનિંગ્સમાં ૩૮૩ રન અને બીજી ઇનિંગ્સમાં ૨૯૨ રન કરીને મુંબઈને જીત માટે ૪૦૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૭૦ રન કરનાર મુંબઈ બીજી ઇનિંગ્સમાં ૯૭.૫ ઓવરમાં ૩૨૫ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. આ રીતે વિદર્ભે ગયા વર્ષે મુંબઈ સામે રણજી ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો.
મુંબઈના નીચલા ક્રમના બૅટ્સમેનોએ મૅચને અંત સુધી રોમાંચક બનાવી રાખી. શાર્દૂલ ઠાકુરે ફરી એક વાર પોતાના બૅટિંગ-કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને ૧૨૪ બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા. શાર્દૂલે શમ્સ મુલાની (૪૬ રન) સાથે સાતમી વિકેટ માટે ૧૦૩ રન જોડ્યા. રૉયસ્ટન ડાયસ (૨૩ રન) અને મોહિત અવસ્થી (૩૪ રન)એ છેલ્લી વિકેટ માટે બાવન રન ઉમેર્યા અને મુંબઈનો સ્કોર ૩૦૦ રનને પાર કરવામાં સહયોગ આપ્યો હતો. પુણેના બાવીસ વર્ષના સ્પિનર હર્ષ દુબેએ બીજી ઇનિંગ્સમાં ૧૨૭ રન આપીને પાંચ વિકેટ લીધી, જેને કારણે ૪૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતી મુંબઈની ટીમ ૩૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ. ૫૪ અને ૧૫૧ રનની ઇનિંગ્સ રમનાર વિદર્ભનો મિડલ ઑર્ડર બૅટર યશ રાઠોડ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ADVERTISEMENT
રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની ફાઇનલ મૅચ ક્યારે રમાશે?
૨૦૨૪ની ૧૧ ઑક્ટોબરે શરૂ થયેલી રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની સીઝન હવે એના ફાઇનલ મુકામ પર પહોંચી ગઈ છે. વિદર્ભ અને કેરલા વચ્ચે ૨૬ ફેબ્રુઆરીથી બે માર્ચ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. બે વારની રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમ વિદર્ભ સામે કેરલાને પહેલી વાર ચૅમ્પિયન બનવાની તક રહેશે. અહેવાલ અનુસાર આ ફાઇનલ મૅચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં જ રમાઈ શકે છે.

