વાઇસ કૅપ્ટને રોહિત સાથે નાગપુર ટેસ્ટમાં કોણ ઓપનિંગ કરશે, કોણ વિકેટકીપર હશે એ બાબતે કોઈ ફોડ પાડ્યો નથી
India vs Australia
પીચનું પરિક્ષણ કરતા ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને ડેવિડ વૉર્નર.
ભારતની ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન લોકેશ રાહુલે જણાવ્યા પ્રમાણે ગુરુવારથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ત્રણ સ્પિનરોને રમાડવાની લાલચ છે, પરંતુ પિચની પરિસ્થિતિ જોતાં કોઈ પણ જાતની ભવિષ્યવાણી ન કરી શકાય. બોર્ડર ગાવસકર ટ્રોફી શરૂ થવાને માત્ર એક દિવસ બાકી રહ્યો હોવા છતાં રાહુલે કોણ વિકેટકીપર, ત્રીજો સ્પિનર કોણ અને કોણ પાંચમા ક્રમે બૅટિંગ કરવા આવશે એ વિશે કોઈ પ્રકારનો ફોડ પાડ્યો નથી.
રાહુલે કહ્યું કે ‘હજી પ્લેઇંગ ઇલેવન નક્કી કરવામાં આવી નથી. આ એક મુશ્કેલીભર્યો નિર્ણય છે. ઘણાએ સારું પ્રદર્શન કર્યું છે. માત્ર થોડી જગ્યા ખાલી છે. ચર્ચા ચાલી રહી છે. નાગપુરની પિચ પહેલા દિવસથી જ સ્પિનરોને મદદ કરે એવી અપેક્ષા છે, પરંતુ હું કોઈ ભવિષ્યવાણી કરવા માગતો નથી. મેં પિચ જોઈ છે, પરંતુ અમે માત્ર ધારી શકીએ છીએ. ત્રણ સ્પિનરોને રમાડવાની લાલચ છે, કારણ અમે ભારતમાં રમી રહ્યા છીએ. અમે રમત શરૂ થાય એ પહેલાં અથવા તો આગલા દિવસે અંતિમ નિર્ણય લઈશું.’
ADVERTISEMENT
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે પહેલા દિવસથી જ બૉલ ટર્ન થવો જોઈએ : રવિ શાસ્ત્રી
કૅપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવશે? એના જવાબમાં તેણે કહ્યું કે ‘હું ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ. તમામ ૧૫ ખેલાડીઓ ઉચ્ચ ગુણવત્તાના છે, જે પૈકી કોઈ પણ મૅચવિનર બની શકે.’
રાહુલે મીડિયાને યાદ અપાવ્યું હતું કે સિરીઝની પહેલી ટેસ્ટમાં મૅચ વિનિંગ પ્રદર્શન કરનાર કુલદીપ યાદવને બીજી ટેસ્ટમાં ડ્રૉપ કરવામાં આવ્યો હતો. આ તમામ નિર્ણય પાછળ એકમાત્ર કારણ છે કે કયો ખેલાડી ચોક્કસ સ્થિતિમાં ફિટ બેસે છે કે નહીં.
કોહલીનો ફોન ગુમ થયો છે?
વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયામાં પોતાનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોવાની જાણકારી આપી છે. ફોન ખોવાઈ ગયા બાદ કોહલીએ પોતાના સમર્થકો પાસે મદદ માગી છે. કોહલીએ ટ્વીટ કરતાં કહ્યું કે આના કરતાં ખરાબ બીજું શું હોઈ શકે કે તમે અનબૉક્સિંગ કરતાં પહેલાં જ તમારો ફોન ખોવાઈ જાય. કોઈએ જોયો છે? જોકે કોહલીએ સ્પષ્ટતા નથી કરી કે આ કોઈ મોબાઇલ બ્રૅન્ડનું પ્રમોશન છે કે સાચી વાત છે.