મિસ્ટરી-સ્પિનર વરુણ ચક્રવર્તીનો ચોંકાવનારો ખુલાસો...
વરુણ ચક્રવર્તી
દુબઈમાં યોજાયેલા ૨૦૨૧ના T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ મિસ્ટરી-સ્પિનર વરુણ ચક્રવર્તીએ જીવનનો સૌથી કડવો અનુભવ કર્યો હતો. એક પૉડકાસ્ટમાં તેણે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘૨૦૨૧નો વર્લ્ડ કપ મારા માટે સૌથી ખરાબ સમય હતો. ત્યારે હું ડિપ્રેશનમાં પણ ગયો હતો. હું ખૂબ જ અપેક્ષાઓ સાથે ટીમમાં આવ્યો હતો, પણ મને એક પણ વિકેટ મળી નહોતી. ત્યાર પછી મને ત્રણ વર્ષ સુધી ટીમ-સિલેક્શનમાં ધ્યાનમાં લેવામાં આવ્યો નહીં. ૨૦૨૧ના T20 વર્લ્ડ કપ પછી, ભારતમાં ઊતરતાં પહેલાં જ મને ધમકીભર્યા ફોન આવ્યા હતા. તેઓએ કહ્યું કે જો હું ભારત આવવાનો પ્રયાસ કરીશ તો આવી શકીશ નહીં. તેમણે મારા ઘર અને અન્ય વસ્તુઓ વિશે જાણકારી મેળવી લીધી હતી. ઍરપોર્ટથી આવતાં મેં જોયું કે લોકો બાઇક પર મારો પીછો કરી રહ્યા છે, પરંતુ મને સમજાયું કે ફૅન્સ ખૂબ જ ઇમોશનલ હોય છે.’
૨૦૨૧માં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું જે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન હતું, કારણ કે ટીમ સુપર-ટ્વેલ્વ તબક્કામાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે ત્રણ વર્ષ બાદ શાનદાર વાપસી કરતાં તામિલનાડુના વરુણે ઇંગ્લૅન્ડ સામેની વાઇટ-બૉલ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં સરપ્રાઇઝ એન્ટ્રી મારી હતી અને ૯ વિકેટ ઝડપીને ધમાલ મચાવી હતી.
ADVERTISEMENT
ટેસ્ટ-ક્રિકેટ માટે પોતાને યોગ્ય નથી માનતો વરુણ?
એક ઇન્ટરવ્યુમાં વરુણ ચક્રવર્તીએ કહ્યું હતું કે ‘મને ટેસ્ટ-ક્રિકેટમાં રસ છે, પણ મારી બોલિંગ-શૈલી ટેસ્ટ માટે યોગ્ય નથી. મારી ઍક્શન અને બોલિંગ-શૈલીને કારણે મારા માટે લાંબા સ્પેલ ફેંકવાનું ખરેખર શક્ય નથી, કારણ કે હું ખૂબ જ ઝડપી બોલિંગ કરું છું. હું વધુમાં વધુ ૧૦-૧૫ ઓવર જ નાખી શકું છું. એથી મારી બોલિંગ રેડ બૉલ ક્રિકેટ માટે યોગ્ય નથી. એથી જ હું ફક્ત T20 અને ૫૦ ઓવરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.’

