૩૪,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ માત્ર અદ્ભુત જ નહીં, ખાસ પણ છે
યુસેન બોલ્ટ , મોનાંક પટેલ
ન્યુ યૉર્કમાં બનેલું નવું સ્ટેડિયમ ‘નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ’ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપનો રોમાન્ચ વધારવા માટે તૈયાર છે. ૩૪,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ માત્ર અદ્ભુત જ નહીં, ખાસ પણ છે. એની ડિઝાઇનમાં લાસ વેગસની ફૉર્મ્યુલા-વન રેસ-ટ્રૅક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત મેદાન માટે ઑસ્ટ્રેલિયાથી ખાસ તૈયાર કરેલી પિચ પણ લગાડવામાં આવી છે. ગઈ કાલે T20 વર્લ્ડ કપના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર યુસેન બોલ્ટ, ન્યુ યૉર્કના પ્રખ્યાત ખેલાડીઓની સાથે ક્રિકેટજગતના દિગ્ગજોએ મળીને ન્યુ યૉર્કના નવા સ્ટેડિયમને લૉન્ચ કર્યું હતું. ક્રિકેટજગતના દિગ્ગજ સર કર્ટ્લી ઍમ્બ્રોઝ (વેસ્ટ ઇન્ડીઝ), શોએબ મલિક (પાકિસ્તાન) અને લિયામ પ્લન્કેટ (ઇંગ્લૅન્ડ) પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ ખાસ અવસર પર અમેરિકન ક્રિકેટર કોરી ઍન્ડરસન અને કૅપ્ટન મોનાંક પટેલે પણ હાજરી આપી હતી.
હું ક્રિકેટ જોઈને મોટો થયો છું. મારા પિતાને ક્રિકેટનો શોખ હતો અને હજી પણ છે. ક્રિકેટ મારા લોહીમાં છે. મારું ક્રિકેટર બનવાનું સપનું સાકાર ન થયું, પરંતુ T20 વર્લ્ડ કપનો ઍમ્બૅસૅડર બનવું ખૂબ જ શાનદાર રહ્યું.
- યુસેન બોલ્ટ