Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિની ઑક્શનમાં અનકૅપ્ડ કાશ્વી ગૌતમ અને વૃંદા દિનેશનો મોટો ધડાકો

મિની ઑક્શનમાં અનકૅપ્ડ કાશ્વી ગૌતમ અને વૃંદા દિનેશનો મોટો ધડાકો

Published : 10 December, 2023 12:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ પ્રીમિયર લીગમાં ૨ અને ૧.૩ કરોડ મેળવી થઈ માલામાલ ઃ સધરલૅન્ડ, શબનીમ અને લિચફીલ્ડ પણ કરોડપતિની ક્લબમાં ઃ અથાપથ્થુ, ડિએન્ડ્રા ડોટિન, કિમ ગાર્થનું કોઈ લેવાલ નહીં: હર્લી ગાલાને આ વખતે નિરાશ થયું પડ્યું

ઓક્શન

ઓક્શન


વિમેન્સ પ્રીમિયર લીગના ગઈ કાલે સાંતાક્રુઝમાં યોજાયેલા મિની ઑક્શનમાં ઘણા મેગા સરપ્રાઇઝ જોવા મળ્યા હતા. ચામરી અથાપથ્થુ, કિમ ગાર્થ, ડિએન્ડ્રા ડોટિન જેવી ખેલાડીને ખરીદવામાં કોઈ ટીમે રસ નહોતો બતાવ્યો, જ્યારે કેશવી ગૌતમ અને વૃંદા દિનેશ જેવી એક પણ ઇન્ટરનૅશનલ મૅચ ન રમનાર અનકૅપ્ડ ભારતીય ખેલાડીઓ પર કરોડ રૂપિયાની બોલી લાગી હતી. મુંબઈએ સાઉથ આફ્રિકન પેસ બોલર શબનીમ ઇસ્માઇલ પર ૧.૨ કરોડનો દાવ લગાવ્યો હતો. હાલ ચાલી રહેલી ટી૨૦ સિરીઝમાં પહેલી મૅચમાં હાફ-સેન્ચુરી ફટકારનાર અને ગઈ સીઝનમાં કોઈએ ન ખરીદવાથી નિરાશ થનાર ડૅની વ્યૉટ માટે રસાકસી જામવાની આશા હતી, પણ તેને તેની બેઝ પ્રાઇઝ ૩૦ લાખમાં જ યુપી વૉરિયર્સ ટીમે ખરીદી લીધી હતી.
કોણ છે કાશ્વી અને વૃંદા?


૨૦૨૦માં માત્ર ૧૬ વર્ષની ઉંમરે કાશ્વી ગૌતમ એક વન-ડે મૅચમાં હૅટ-ટ્રિક સહિત દસેદસ વિકેટ લઈને તરખાટ મચાવીને છવાઈ ગઈ હતી. ડોમેસ્ટિક મૅચોમાં શાનદાર પર્ફોર્મન્સને લીધે કાશ્વી માટે ઑક્શનમાં આટલી કશમકશ જોવા મળી હતી અને ૧૦ લાખની બેઝ પ્રાઇસથી બે કરોડ રૂપિયા સુધીની બોલી લાગી હતી. આ ચંડીગઢ વતી ડોમેસ્કિટક ક્રિકેટ રમતી કાશ્વીએ સિનિયર મહિલા ટી૨૦માં પણ શાનદાર પર્ફોર્મ કરતાં માત્ર ૪.૧૪ની ઇકૉનૉમી રેટ સાથે ૧૨ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત એસીસી ઇમર્જિંગ ટુર્નામેન્ટમાં ભારતની અન્ડર-૨૩ ટીમ વતી રમતાં ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહતત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. કાશ્વીને ઇંગ્લૅન્ડ-એ ટીમ સામેની ટી૨૦ સિરીઝમાં પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી હતી અને બે મૅચમાં તેણે ૩ વિકેટ ઝડપી હતી. 
બીજી તરફ કર્ણાટક વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી વૃંદા દિનેશ ૧.૩ કરોડ જેવી ઊંચી  કિંમતે યુપી ટીમે ખરીદતાં લોકો તેના વિશે જાણકારી મેળવવા લાગ્યા હતા. ૨૦ વર્ષની વૃંદા બૅટિંગ ઉપરાંત લેગ-બ્રેક બોલિંગ પણ કરી શકે છે. કાશ્વીની જેમ વૃંદાએ પણ ભારતની અન્ડર-૨૩ ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે આ વર્ષે વિમેન્સ સિનિયર વન-ડે સ્પર્ધામાં ૪૭ની ઍવરેજ સાથે ૪૭૭ રન બનાવ્યા છે.



આમને કોઈએ ન ખરીદ્યા
શ્રીલંકાની સ્ટાર ખેલાડી અને તાજેતરમાં મહિલા બિગ બૅશમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર ચામરી અથાપથ્થુને ખરીદવામાં આશ્ચર્યજનક રીતે કોઈએ રસ નહોતો દાખવ્યો. બીજું, આ ઑક્શનમાં હાઇએસ્ટ ૫૦ લાખની બેઝ પ્રાઇઝમાં બે ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝની સ્ટાર ઑલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટિન અને ઑસ્ટ્રેલિયન કિમ ગાર્થે રજિસ્ટર કરાવ્યું હતું અને બન્નેને કોઈએ ખરીદ્યા નહોતા. આ ઉપરાંત વિદેશીઓમાં ઇંગ્લૅન્ડની વિકેટકીપર-બૅટર ઍમી જોન્સ, ટૅમ્મી બ્યુમોન્ટ, બેસ હેથ, ઑસ્ટ્રેલિયન સ્પિનર અલાના કિંગ, ન્યુ ઝીલૅન્ડની લી તહુહુને ખરીદાર નહોતા મળ્યા. 
ભારતીય ઇન્ટરનૅશનલ ખેલાડીઓ દેવિકા વૈદ્ય, પ્રિયા પૂનિયા, પૂનમ રાઉત અને સુષ્મા વર્માને પણ કોઈ ટીમમાં સ્થાન નહોતું મળ્યું. 


હર્લી ગાલા હતાશ
મિડ-ડે લેડીઝ ક્રિકેટની સ્ટાર ઑલરાઉન્ડર અને ખૂબ જ ટૅલેન્ટેડ હર્લી ગાલાને આ વખતે નિરાશ થવું પડ્યું હતું. ગઈ વખતે તેને તેની બેઝ પ્રાઇઝ ૧૦ લાખમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી હતી, પણ એક પણ મૅચ રમવા નહોતી મળી.


1. કાશ્વી ગૌતમ (૨ કરોડ) 2.  ઍનાબેલ સધરલૅન્ડ (૨ કરોડ) 3. વૃંદા દિનેશ (૧.૩૦ કરોડ) 4.  શબનીમ ઇસ્માઇલ  (૧.૨ કરોડ) 5.ફોબી લિચફીલ્ડ(૧ કરોડ)

આ વખતે પણ એક જ શહેરમાં, કદાચ મુંબઈમાં નહીં
આઇપીએલની જેમ ડબ્લ્યુપીએલ પણ વિવિધ શહેરોમાં રમાવાની ચર્ચાનો લગભગ અંત આવી ગયો છે. આ વખતે મુંબઈ ઉપરાંત બૅન્ગલોરમાં રમવાની વાતો ઘણા સમયથી થતી હતી, પણ ગઈ કાલે ઑક્શન દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે આ વખતે પણ ડબ્લ્યુપીએલ એક જ શહેરમાં રમાશે. મોટા ભાગે આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે. વિવિધ શહેરોમાં રમાડવાનું આ વખતે શક્ય નથી, કદાચ આવતા વર્ષે વિચારીશું. આ વખતે અમે કદાચ બૅન્ગલોર અથવા ઉત્તર પ્રદેશમાં યોજીશું. આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, રાજકોટનો વિકલ્પ પણ અમારી પાસે છે. વડોદરામાં ટૂંક સમયમાં સ્ટેડિયમ તૈયાર થઈ જશે. અમે ટૂંક સમયમાં બધી જ ફ્રૅન્ચાઇઝી સાથે મીટિંગ કરીશું અને ફાઇનલ નિર્ણય લઈશું.

ગઈ કાલે ઑક્શન દરમ્યાન દિલ્હી કૅપ્ટન્સના મેન્ટર સૌરવ ગાંગુલી, ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ તથા મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકો આકાશ અને નીતા અંબાણી.

બીજી ટી૨૦માં પણ મહિલાઓનો ફ્લૉપ શો

વાનખેડેમાં ગઈ કાલે રમાયેલી બીજી ટી૨૦માં ભારતીય મહિલા ટીમે ફરી નિરાશ કર્યા હતા અને ફક્ત ૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ 
હતી. 
ઇંગ્લૅન્ડે ૮૧ રનનો ટાર્ગેટ ૧૧.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી હતી.  
ત્રીજી અને છેલ્લી ટી૨૦ આજે વાનખેડેમાં જ રમાશે. ત્યારબાદ એકમાત્ર ટેસ્ટ ડીવાય પાટીલમાં 
રમાશે.
પ્રેક્ષકોને કાબૂમાં રાખવા લાઠીચાર્જ
વાનખેડેમાં એન્ટ્રી ફ્રી હોવાથી ગઈ કાલે હજારો ક્રિકેટચાહકો સ્ટેડિયમમાં ધસી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાનું લાગતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પહેલાંથી ટિકિટ બુક કરાવી હોવા છતાં સ્ટેડિયમ ફુલ થઈ ગયું હોવાનું જણાવીને પ્રવેશ ન અપાયો હોવાથી ઘણા ચાહકોએ નિરાશ થવું પડ્યું હતું. એ ઉપરાંત તેઓ પોલીસના ખરાબ વર્તનથી ગુસ્સે ભરાયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK