બ્રિટનના ૧૬૦થી વધુ રાજનેતાઓએ એકસાથે અવાજ ઉઠાવીને ECBને સજ્જડ વિનંતી કરી...
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હાઇબ્રિડ મૉડલ વિવાદનો ઉકેલ આવ્યા બાદ નવો વિવાદ ઊભો થયો છે. ૧૬૦થી વધુ બ્રિટિશ રાજનેતાઓએ ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને ૨૬ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન સામે લાહોરમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મૅચનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે. અફઘાનિસ્તાનની મેન્સ ટીમ પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થઈ છે.
૨૦૨૧માં તાલિબાનની સત્તાના પુનરાગમન બાદ રમતગમતમાં અફઘાની મહિલાઓના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સ અને હાઉસ ઑફ લૉર્ડ્સના સાંસદોએ સાઇન કરીને લેટરમાં ECBને અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર સામે નૈતિક વાંધો નોંધાવવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ECBએ આ લેટર પર નિવેદન આપતાં કહ્યું છે કે ‘ICCના બંધારણ મુજબ તમામ સભ્ય દેશો મહિલા ક્રિકેટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને અનુરૂપ ECBએ અફઘાનિસ્તાન સામે કોઈ પણ દ્વિપક્ષીય ક્રિકેટ-મૅચ ન યોજવાની એની સ્થિતિ જાળવી રાખી છે. કોઈ એક સભ્યના બદલે ICCના તમામ સભ્યો દ્વારા એકસાથે લેવાયેલી કાર્યવાહી વધુ અસરકારક રહેશે.’