આ ટીમ સાઉથ આફ્રિકાની નવી ટી૨૦ લીગમાં તેમ જ યુએઈની નવી ટી૨૦ લીગમાં પણ રમવાની હોવાથી એમઆઇ હવે જાગતિક બ્રૅન્ડ બની રહી છે
UAE T20
ઝહીર ખાન અને માહેલા જયવર્દને
આઇપીએલની સૌથી વધુ પાંચ ટ્રોફી જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) ટીમ હવે માત્ર ભારતમાં જ સક્રિય નહીં રહે, આ ટીમ સાઉથ આફ્રિકાની નવી ટી૨૦ લીગમાં તેમ જ યુએઈની નવી ટી૨૦ લીગમાં પણ રમવાની હોવાથી એમઆઇ હવે જાગતિક બ્રૅન્ડ બની રહી છે, એને ધ્યાનમાં રાખીને આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ માહેલા જયવર્દને તથા ઝહીર ખાનને નવા રોલ આપ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ ફ્રૅન્ચાઇઝીએ બન્નેને પોતાની સેન્ટ્રલ ટીમમાં સમાવ્યા છે. માહેલા ૨૦૧૭થી એમઆઇનો હેડ-કોચ છે અને તેને ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સનો હોદ્દો અપાયો છે. ડિરેક્ટર ઑફ ક્રિકેટ ઑપરેશન્સ ઝહીર ખાન ગ્લોબલ હેડ ઑફ ક્રિકેટ ડેવલપમેન્ટ તરીકે નિમાયો છે.
જાન્યુઆરીમાં રમાનારી સાઉથ આફ્રિકા ટી૨૦ લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એમઆઇ કેપ ટાઉન તરીકે અને યુએઈ ટી૨૦ લીગમાં એમઆઇ એમિરેટ્સ તરીકે ઓળખાશે. માહેલા વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક યોજના બનાવશે તેમ જ પ્રત્યેક એમઆઇ ટીમની કોચિંગની જવાબદારી નક્કી કરશે. ઝહીર પ્લેયર ડેવલપમેન્ટના ભાગરૂપે નવા પ્લેયરોને નવા પડકાર માટે તૈયાર કરવાની યોજના બનાવીને અમલમાં મુકાવશે.