ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે સતત સાતમી શ્રેણી-જીત, ૨-૦થી મેળવી વિજયી સરસાઈ ઃ મંગળવારે ઇન્દોરમાં છેલ્લી વન-ડે
હાર્દિકે કૉન્વેનો પોતાના બૉલમાં અફલાતૂન કૅચ પકડ્યો હતો. રોહિતનો એક બાળચાહક (એકદમ જમણે) દોડી આવ્યો હતો. રોહિતે સિક્યૉરિટી મૅનને આ બાળક સામે કોઈ પગલાં ન લેવાની વિનંતી કરી હતી.
હૈદરાબાદમાં બુધવારે માઇકલ બ્રેસવેલના તુફાની ૧૪૦ રનને કારણે ભારતનો વિજય મુશ્કેલ બની ગયો અને ટીમ ઇન્ડિયાએ શ્વાસ અધ્ધર થયા બાદ માંડ-માંડ વિજય મેળવ્યો ત્યાર બાદ ગઈ કાલે રાયપુરના નવા મેદાન પર સ્વિંગ-સીમ સહિતના પેસપાવરની મદદથી આસાનીથી જીત હાંસલ કરીને ઘરઆંગણે લાગલગાટ સાતમી ઓડીઆઇ સિરીઝ જીતી લીધી હતી. મોહમ્મદ શમી (૬-૧-૧૮-૩) આ જીતનો સુપરહીરો હતો. જોકે હાર્દિક પંડ્યા (૬-૩-૧૬-૨)નું પણ આ વિક્ટરીમાં મોટું યોગદાન હતું, કારણ કે ન્યુ ઝીલૅન્ડના ૧૦૩ રનના સ્કોર પર હાર્દિકે જ મિચલ સૅન્ટનર (૨૭ રન, ૩૯ બૉલ, ત્રણ ફોર)ની વિકેટ લઈને ભારતને બ્રેકથ્રુ અપાવ્યું હતું અને ત્યાર પછીનું બાકીનું કામ બે સ્પિનર વૉશિંગ્ટન સુંદર (૩-૧-૭-૨) અને કુલદીપ યાદવે (૭.૩-૦-૨૯-૧) પૂરું કર્યું હતું. છઠ્ઠા બોલર શાર્દુલ ઠાકુર (૬-૧-૨૬-૧)ને પણ વિકેટ મળી હતી. ન્યુ ઝીલૅન્ડે આ પરાજયથી નંબર-વનની રૅન્ક ગુમાવી છે અને ઇંગ્લૅન્ડ નવું નંબર-વન થઈ ગયું છે.
ન્યુ ઝીલૅન્ડને બૅટિંગ આપ્યા બાદ ભારતીય બોલર્સે એને ૧૦૮ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું અને પછી ભારતે કૅપ્ટન રોહિત શર્મા (૫૧ રન, ૫૦ બૉલ, બે સિક્સર, સાત ફોર), પાછલી મૅચના ડબલ સેન્ચુરિયન શુભમન ગિલ (૪૦ અણનમ, ૫૩ બૉલ, છ ફોર)નાં યોગદાનોની મદદથી ૨૦.૧ ઓવરમાં બે વિકેટે ૧૧૧ રન બનાવીને ૮ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. પેસ બોલર હેન્રી શિપ્લી અને સૅન્ટનરે એક-એક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો:શુભમન ગિલ : ભારતનો ફાસ્ટેસ્ટ, વિશ્વનો યંગેસ્ટ
ઘરઆંગણે સાત સિરીઝ-વિજય
ભારત ઘરઆંગણે સતત સાતમી વન-ડે સિરીઝ જીત્યું છે. આ પહેલાંના છ સિરીઝ-વિજય આ મુજબ હતા ઃ ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૧થી, ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી, ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી, ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩-૦થી, ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે ૨-૧થી, ૨૦૨૩માં શ્રીલંકા સામે ૩-૦થી અને ૨૦૨૩માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૦થી વિજયી સરસાઈ (એક મૅચ બાકી).
૧૫/૫ કિવીઓ માટે લોએસ્ટ
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે પાંચમી વિકેટ ૧૫ રનના સ્કોર પર ગુમાવી ત્યારે એનો ૧૫/૫નો જે સ્કોર હતો એ ઓડીઆઇમાં પાંચમી વિકેટના અંતે નોંધાયેલો લોએસ્ટ સ્કોર હતો. એ પહેલાં શ્રીલંકા સામેનો ૧૮/૫ એનો સૌથી નીચો સ્કોર હતો. ભારત માટે પણ આ નવો વિક્રમ છે. ગઈ કાલે કિવીઓએ ૧૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી એ પહેલાં ઇંગ્લૅન્ડનો ૨૬/૫ ભારત સામેનો પાંચમી વિકેટને અંતે નોંધાયેલો લોએસ્ટ સ્કોર હતો. ગઈ કાલે કિવીઓના ટોચના ક્રમના પાંચ બૅટર્સ ફક્ત ૧૧ રન બનાવી શક્યા હતા જે કિવીઓનો અણગમતો રેકૉર્ડ છે.
મંગળવારે આખરી વન-ડે રમાશે.