CABIના જનરલ સેક્રેટરી શૈલેન્દ્ર યાદવે એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી કે ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ પણ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન નથી જઈ રહ્યાં.
ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ
પાકિસ્તાનમાં યોજાનારા T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપમાંથી ભારતીય ટીમે નામ પાછું ખેંચી લીધું છે. બાવીસમી નવેમ્બરથી ત્રીજી ડિસેમ્બર દરમ્યાન યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમે બુધવારે વાઘા બૉર્ડર પાર કરવાની હતી. રમત મંત્રાલય તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું હતું, પરંતુ વિદેશ મંત્રાલય તરફથી મંજૂરી મળી શકી નહીં. સુરક્ષાનાં કારણસર પાકિસ્તાન જવાની સરકાર તરફથી પરવાનગી ન મળતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે.
ક્રિકેટ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI)એ દિલ્હીમાં પચીસ દિવસના પ્રૅક્ટિસ કૅમ્પ બાદ વર્લ્ડ કપની ટીમની પસંદગી કરી હતી. ૨૦૧૨થી આયોજિત ત્રણેય T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ બૅન્ગલોરમાં યોજાયા હતા. પહેલા બે વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ત્રીજા વર્લ્ડ કપમાં બંગલાદેશને હરાવીને ભારતીય ટીમ ચૅમ્પિયન બની હતી. CABIના જનરલ સેક્રેટરી શૈલેન્દ્ર યાદવે એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી કે ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ પણ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન નથી જઈ રહ્યાં.