બંગલાદેશના મીરપુરમાં આ ટીમના ક્રિકેટર્સ ટ્રેઇનિંગ કૅમ્પમાં જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યા છે
મીરપુરના ટ્રેઇનિંગ કૅમ્પમાં બંગલાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમ.
પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચનાર બંગલાદેશ ક્રિકેટ ટીમે હવે ભારતને પડકાર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. બંગલાદેશના મીરપુરમાં આ ટીમના ક્રિકેટર્સ ટ્રેઇનિંગ કૅમ્પમાં જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યા છે. ૧૯ સપ્ટેમ્બરથી બન્ને ટીમ વચ્ચે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમ ૧૨ સપ્ટેમ્બરથી પાંચ દિવસના ટ્રેઇનિંગ કૅમ્પનું આયોજન કરશે. વિરાટ કોહલી પણ એ દિવસે લંડનથી ચેન્નઈ આવી પહોંચશે.
પહેલી ટેસ્ટ માટે જાહેર થયેલી ૧૬ સભ્યોની સ્ક્વૉડ હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મળીને સાથી ખેલાડીઓ વચ્ચેનું બોન્ડિંગ અને ટ્યુનિંગ મજબૂત કરશે. કૅમ્પમાં ભારતીય ટીમનો ઉદ્દેશ તૈયારીઓને ચકાસવાનો અને નબળાઈઓને સુધારવાનો રહેશે. હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની ઘરેલુ મેદાન પર આ પહેલી સિરીઝ છે.