ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે આવતી કાલથી ટી20માં જામશે ટક્કર
જોશીલા ખેલાડીઓ: લાંબા સમય બાદ આવતી કાલથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી૨૦ સિરીઝની પહેલી મૅચ રમાશે. ખેલાડીઓ પણ આ મૅચને લઈને ભારે ઉત્સાહિત છે. મૅચ પહેલાં ખેલાડીઓના ફોટોસેશનનાે એક વિડિયો પણ ક્રિકેટ બોર્ડ દ્વારા ઉતારાયો હતો. રિષભ પંત, અક્ષર પટેલ, ઇશાન કિશન, નવદીપ સૈની અને હાર્દિક પંડ્યાનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો હતો.
ભારત સામેની ટેસ્ટ-સિરીઝ ૧-૩થી હાર્યા બાદ ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ હવે ઓઇન મૉર્ગનના નેતૃત્વમાં આવતી કાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થનારી પાંચ મૅચોની ટી૨૦ સીરીઝ જીતવા કોઈ કસર નહીં છોડે. સિરીઝની તમામ મૅચો અમદાવાદના સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યે શરૂ થશે. રૅન્કિંગમાં હાલમાં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ ક્રમાંકે છે તો નંબર-વન પરથી ઊથલાવવાની ભારતીય ટીમને તક પણ છે.
ADVERTISEMENT
આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ ટી૨૦ સિરીઝની પહેલી મૅચ રમાશે, જેની ટિકિટ મળતાં ખુશખુશાલ ક્રિકેટપ્રેમી. તસવીર : પી.ટી.આઇ.
ટી૨૦ રૅન્કિંગમાં ભારત બીજા સ્થાને
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં ભારતીય ટીમ ૨૬૮ પૉઇન્ટ સાથે ટી૨૦ રૅન્કિંગમાં બીજા ક્રમાંક પર પહોંચી ગઈ છે. ઇંગ્લૅન્ડની ટીમ ૨૭૫ પૉઇન્ટ સાથે ભારત કરતાં માત્ર ૭ પૉઇન્ટ આગળ છે એટલે ભારતને નંબર-વન બનવા સોનેરી તક છે. ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી ટી૨૦ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા હારી જતાં એ ૨૬૭ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંક પર પહોંચી ગઈ છે. બૅટ્સમેનના રૅન્કિંગમાં ભારતીય બૅટ્સમૅન કેએલ રાહુલ ત્રીજા ક્રમાંક પર તો વિરાટ કોહલી છઠ્ઠા ક્રમાંક પર છે. ઇંગ્લૅન્ડનો બૅટ્સમૅન ડેવિડ માલન ૯૧૫ પૉઇન્ટ સાથે પહેલા ક્રમાંક પર તો ઑસ્ટ્રેલિયાનો ઍરોન ફિન્ચ ૮૩૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંક પર છે.

