ચોથા દિવસે ૩૧ ઓવરની રમતમાં ૯૦ રન બનાવી એક વિકેટ ગુમાવી અફઘાનીઓએ, ઝિમ્બાબ્વે પાસે હજી ૭૧ રનની લીડ
વરસાદને કારણે પૅવિલિયન પરત ફરતા બન્ને ટીમના પ્લેયર્સ.
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટ ડ્રૉ તરફ આગળ વધી રહી છે. ચોથા દિવસે વરસાદને કારણે ૩૧ ઓવરની જ મૅચ રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને એક વિકેટ ગુમાવીને ૯૦ રન જોડ્યા છે. ઝિમ્બાબ્વેના ૫૮૬ રનના સ્કોર સામે અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૧૫૬ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૫૧૫ રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે પાસે હજી ૭૧ રનની લીડ છે પણ વરસાદ અને ટેસ્ટનો અંતિમ દિવસ હોવાથી ટેસ્ટ ડ્રૉ થઈ શકે છે.
અફઘાનિસ્તાને ટેસ્ટ-ઇતિહાસમાં બીજી વાર એક ઇનિંગ્સમાં ૫૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો છે. પહેલો ૫૦૦ પ્લસનો સ્કોર ઝિમ્બાબ્વે સામે અબુ ધાબીમાં ૨૦૨૧માં બનાવ્યો ત્યારે અફઘાનિસ્તાને મૅચની પહેલી ઇનિંગ્સમાં ૫૪૫/૪ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. રહેમત શાહ ૪૨૪ બૉલમાં ૨૩૪ રન કરી કૅચઆઉટ થયો હતો. તે ટેસ્ટમાં અફઘાનિસ્તાન માટે હાઇએસ્ટ સ્કોર કરનાર પ્લેયર બન્યો છે. તેણે કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી (૧૭૯ રન) સાથે ૬૩૦ બૉલમાં ૩૬૪ રનની ત્રીજી વિકેટની પાર્ટનરશિપ કરી જે અફઘાનિસ્તાન માટે કોઈ પણ વિકેટ માટેની હાઇએસ્ટ ટેસ્ટ પાર્ટનરશિપ છે. આ ત્રીજી વિકેટ માટેની આઠમી હાઇએસ્ટ ટેસ્ટ-પાર્ટનરશિપ હતી. વિકેટકીપર અફસર ઝઝઈ (૪૬ રન) કૅપ્ટન સાથે ક્રીઝ પર અણનમ છે.